રેગિંગથી કંટાળીને બીજે મેડિકલ કોલેજના છ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી
અમદાવાદ, બીજે મેડિકલ કોલેજના છ વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવી છે કે પાછલા ઘણાં મહિનાઓથી ત્રણ સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમને માર મારવામાં આવે છે.
આટલુ જ નહીં, ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આવી જ રીતે એક વાર જ્યારે તેમની સાથે રેગિંગ કરવામાં આવી રહ્યુ હતું ત્યારે એક વિદ્યાર્થીને કાનમાં ઈજા પણ થઈ હતી. ફરિયાદી વિદ્યાર્થીઓ ઓર્થોપેડિક બ્રાન્ચમાં પોસ્ટગ્રેજ્યુએટ કોર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.
ફરિયાદ અનુસાર, આરોપીઓ આ જ બ્રાન્ચના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. BJMCના સૂત્રો જણાવે છે કે, આ છ વિદ્યાર્થીઓએ પોતાના વિભાગના વડા એટલે કે BJMCને પત્ર લખીને ફરિયાદ કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે તેમની પર શારીરિક અને માનસિક હિંસા આચરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું છે કે તેમની પાસે ઉઠ-બેસ પણ કરાવવામાં આવે છે.
ઓર્થોપેડિક વિભાગના BJMC ડોક્ટર રાજેશ સોલંકીએ જણાવ્યું કે, મંગળવારના રોજ બપોરે લગભગ ૧૨ વાગ્યે છ વિદ્યાર્થીઓ મને મળ્યા હતા અને એક લેખિત ફરિયાદ સોંપવામાં આવી હતી. તેમણે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૩ વિદ્યાર્થીઓના નામ લીધા છે.
વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે પાછલા ઘણાં મહિનાઓથી તેમને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. ડોક્ટર રાજેશ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે તેમને હાજર કરવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ કર્યા પછી મેં મારો રિપોર્ટ પણ આપી દીધો છે અને કોલેજના PG ડાઈરેક્ટરને સાથે ફરિયાદ પત્ર પણ સોંપી દેવામાં આવ્યો છે.
BJMDC ઓર્થોપેડિક વિભાગના એક પ્રોફેસરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, શિક્ષકો જૂનિયર વિદ્યાર્થીઓને અવારનવાર પૂછતા રહે છે કે શું તેઓ આ પ્રકારની કોઈ ઘટનાનો શિકાર તો નથી બનતા. પરંતુ અત્યાર સુધી કોઈએ અમને આ બાબતે ફરિયાદ પણ નથી કરી અને જાણકારી પણ નથી આપી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સમગ્ર મામલો પીજી ડાઈરેક્ટર પાસે પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં રિપોર્ટ જમા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ વિદ્યાર્થીઓ વોર્ડ, ઓપીડી તેમજ ઓટીમાં પ્રવેશ નહીં મેળવી શકે. ઉલ્લેખનીય છે કે પાછલા ઘણાં વર્ષોથી બીજેએમસી કોલેજનો ઓર્થોપેડિક વિભાગ રેગિંગને કારણે કુખ્યાત છે. કહેવામાં આવે છે કે, અન્ય તમામ વિભાગોની સરખામણીમાં સૌથી વધારે રેગિંગના કેસ ઓર્થોમાં જ નોંધાય છે.
પોતાનું નામ જાહેર ન કરવાની શરતે એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, આ સીનિયર વિદ્યાર્થીઓ રાતે એક વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીના સમયમાં ડોક્ટર્સ રુમમાં આવતા હતા. તેઓ જૂનિયર્સ માટે અપશબ્દોનો ઉપયોગ કરતા તા. ઘણીવાર તેઓ ગણતરીની મીનિટોમાં કોઈ વાક્ય ૧૦૦થી વધુ વાર લખવાનો ટાસ્ક આપતા હતા. અને જાે લખી ના શકાય તો ૧૦૦ પુશ-અપ્સ અથવા ઉઠ-બેસ કરાવતા હતા.
એક જૂનિયરને તો હજી પણ એક કાનમાં સાંભળવાની તકલીફ છે. અમુક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ ઘણી વાર ઓર્થોપેડિક સર્જરીના ટૂલ્સનો ઉપયોગ કરતા હતા. તેઓ જૂનિયર્સને મારવા માટે ઓટીના સામાનનો ઉપયોગ કરતા હતા.
વિદ્યાર્થીઓને આશા હતી કે થોડા સમયમાં રેગિંગ બંધ થઈ જશે માટે તેમણે ફરિયાદ નહોતી કરી. પરંતુ જ્યારે તેમણે ટોર્ચર ચાલુ જ રાખ્યું તો ફરિયાદ સિવાય કોઈ વિકલ્પ બાકી નહોતો રહ્યો.SS1MS