સંબંધો વિકસાવીને, જીવનને મહેકાવો
માનવી સમાજમાં રહેતો હોવાથી એકબીજાનાં સંપર્કમાં આવવાથી સંબંધ બંધાતા સંબંધી બનતા હોય છે. લોહીની સગાઈ પાસેની હોય કે દૂરની હોય તે સંબંધની સગા તરીકે ગણત્રી થાય છે. જગતમાં કોઈ પણ માનવી સગા કે સંબંધી વગર રહી શકતો નથી. જવલ્લે જ એવી કોઈ જ વ્યક્તિ હશે જેને કોઈ સગું કે સંબંધી ન હોય. એકબીજાની જરૂરિયાત પૂરી પાડવા માટે કે મુસાફરી કરતા સમય પસાર કરવા તથા સાથે કામ કરતા અથવા એકબીજાને અવારનવાર જાેતા અથવા મળતા સંબંધ બની જતાં વાર લાગતી નથી. હોસ્પિટલ હોય કે સોસાયટી, મુસાફરીમાં સતસંગ કરતા સંબંધ બંધાતા વાર લાગતી નથી.
સંબંધ બાંધવો સહેલો છે કેમ કે પોતાને ગરજ હોય તો સંબંધ બાંધીને પોતાનું કામ કરાવી લેવાય છે પરંતુ સંબંધ તોડવો બહુ જ સરળ હૉય છે. તડ અને ફડ કરીને સંબંધ તોડતા વાર લાગતી નથી પરંતુ સંબંધ બનાવીને જાળવવો એ બહુ જ મુશ્કેલભર્યું છે. જીવનમાં એકલી પોતાની જાત કે પત્નિ કે પોતાનો દીકરો કે દીકરી જ સર્વસ્વ છે તેવું માનવું નહિ પરંતુ બીજાની પણ ગણતરી કરવી જ જાેઈએ. પોતાની જિંદગીમા ‘હું’ અને ‘મારું ઘર’ એટલું જ ન હોવું જાેઈએ. પરંતુ બીજાનો પણ ખપ પડતો જ હોય છે. સારા કે નરસા પ્રસંગે બીજા લોકોની હાજરી મહત્વની બની રહે છે.
જે વ્યક્તિ સંબંધ બનાવી જાળવીને લોકોની જાેડે હળીમળીને રહે તે જીવનમાં સફળતા મેળવે છે અને તેની સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની પણ ગણતરી થાય છે. માનવી સ્વભાવથી નમ્ર, વ્યવહારિક, સમજુ, નિરભિમાની, હોશિયાર અને બીજાની વાત સાંભળવાની તૈયારી રાખતો હોય તથા મદદરૂપકર્તા બનતો હોય અને મળતાવડો સ્વભાવ, આનંદી, નિખાલસ હોય તથા સદાચારી અને પરમાર્થી તથા સંતોષી અને શિષ્ટાચારી હોય તો સંબંધ વિકસાવવામાં સફળતા મેળવશે.
સંબંધ જાળવવાથી ભાઈચારો રહે છે જેથી પોતાનું જીવન ઘણું આનંદમય બની રહે છે. જે વ્યક્તિ સંબંધ જાળવી જાણે છે તેના કોઈ પણ સારા પ્રસંગે હાજરી આપી પ્રસંગ શોભાવે છે તથા નરસા પ્રસંગે લોકો તેને સાંત્વન આપવા દોડી આવે છે. સંબંધ એટલે બરાબરીનો બંધ અથવા એકબીજા સાથે બરાબરીનો નાતો. સંબંધ જાણતા કે અજાણતા બંધાઈ શકે છે. માનવીના જન્મથી જ અમુક સંબંધ વંશ વારસામાંથી મળતો રહે છે જેમ કે મા-બાપ જાેડે દીકરા કે દીકરીનો સંબંધ, ભાઈ-બેનનો સંબંધ કે કાકા જાેડે ભત્રીજા-ભત્રીજીનો સંબંધ કે મામા જાેડે ભાણેજ કે ભાણીનો સંબંધ બંધાયેલો હોય છે. સંબંધ લોહીનો હોય કે પરલોહીનો પણ હોઈ શકે છે.
બીજા જાેડે સંબંધ બાંધવામાં પોતાનો સ્વભાવ, માનસિક વિચારોથી મનમેળ અથવા સામાજિક વ્યવહાર પણ નિમિત્ત બને છે. સંબંધ જાણતા કે અજાણતા બની તો જાય પરંતુ તેને જાળવીને વિકસાવવો બહું જ મુશ્કેલભર્યું છે. પોતાનું કામ પતી જાય પછી સંબંધમાંથી પીછેહઠ કરતા તેમાં સ્વાર્થીપણું દેખાઈ આવે છે. પરંતુ કામ પતી ગયા બાદ પણ જાે સંબંધ જાળવી રાખે તો તે નિસ્વાર્થ સંબંધ ગણાય છે જે લાંબા ગાળા સુધી ટકી શકે છે.
સંબંધ વિકસાવવાથી માનસિક સંતોષ પણ મળે છે તથા સુખ-દુઃખમાં ભાગીદાર બનવાથી જીવનમાં શાંતિ રહે છે. સુખદ કે દુઃખદ પ્રસંગે પોતાને સહકાર મળવાથી પોતાના જીવનમાં મહેક આવી જાય છે. એકબીજા જાેડે સહકારવૃતિની આપ-લે થવાથી અથવા હસતો ચહેરો સંબંધ વિકસાવવામાં મોટો ભાગ ભજવે છે.
સંબંધ સાચવવો તે અઘરું છે જેથી સંબંધ બંધાયા પછી પોતાની જ મનમાની ન ચાલે. બધાએ એકબીજા જાેડે બાંધછોડ કરતા શીખવું જાેઈએ. જુદા જુદા દેશની સરકાર પણ સંબંધ પર અસર પહોંચાડે છે તથા વિકાસ વધારવામાં મોટો ભાગ ભજવે છે. અડોશ-પડોશમાં પણ સંબંધ સારો હોય તો કોઈપણ જાતની તકલીફમાં એકબીજાને ટેકો મળી રહેવાથી ઘણી રાહત થઈ જાય છે.
સંબંધ સાચવતા આવડતું હશે તો તેઓ લોકોના દિલ જીતી લેશે અને તેઓનો મિત્રવર્ગ પણ બહોળો હશે. વડીલ પોતે સંબંધ સાચવતા હશે તો તેના સંસ્કાર પણ પોતાના દીકરા તથા દીકરીમાં ઉતરશે. કોઈ જાેડે મનદુઃખ થતાં સંબંધ બગાડવાથી પોતાની જ કિંમત અંકાઈ જાય પરંતુ સંબંધ ન બગાડતા તેની જાેડે વ્યવહાર ઓછો કરવો તે વધારે યોગ્ય છે. મોટે ભાગે પૈસો જ સંબંધને વધારે છે અથવા બગાડે છે જેથી પૈસાને ગૌણ ગણવામાં આવે તો સંબંધ બનાવવામાં કે જાળવવામાં કોઈ હરકત નડતી નથી.
આ ભવની સગાઈ છે તો માનવીએ સંબંધ બંધાઈ ગયા પછી બગાડવો ન જાેઈએ. કાલની કોને ખબર છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ઘણી વખત અડોશ-પડોશ વચ્ચે, સાસુ-વહુ, શેઠ-નોકર, મા-બાપ તથા દીકરા-દીકરી, ભાઈ-ભાઈ, નણંદ-ભોજાઈ વચ્ચે સંબંધમાં ફાટફૂટ પડેલી દેખાય છે તથા કંકાસ વારંવાર થવાથી જીવનભરના અબોલા થઈ જાય અથવા અમુક લોકો આપઘાત કરવા સુધી પણ પહોંચી જાય છે. પરંતુ બાંધછોડ કરતા આવડતું હશે તો સંબંધમાં ચાર ચાંદ લાગી જશે તથા જીવનમાં મહેક આવી જશે તથા માનવીના જીવનની વસંત પૂરબહાર ખીલશે અને સારું તથા સરળ જીવન નંદનવન જેવું રળિયામણુ ને સોહામણું બની જશે.