કંબોડિયાની હોટલમાં ભીષણ આગથી ૧૦નાં મોત, ૩૦ ઘાયલ
પોઈપેટ, કંબોડિયાના પોઈપેટમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે અને ૩૦ લોકો ઘાયલ થયા છે તેવી સુત્રો આધારિત માહિતી મળે છે. આ ઘટના બાદ ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ ઘટના પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલમાં બની હતી. આગમાં લગભગ ૫૦ લોકો ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા હતા. હોટલમાં લાગેલી આગ કેટલાય કલાકો સુધી ભભૂકી રહી હતી. ઘટનાસ્થળના કેટલાક ચોંકાવનારી તસ્વીરો પણ સામે આવી છે, જેમાં જાેઈ શકાય છે કે લોકો આગથી બચવા માટે ૫મા માળેથી નીચે જમીન પર કૂદી રહ્યા છે. આગને કારણે હોટલને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં ૭૦ ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટલમાં આગની આ ઘટના મોડી રાત આસપાસ બની હતી, જે પછી ભડકેલી આગએ બિલ્ડિંગના મોટા ભાગને લપેટમાં લીધો હતો.