શહીદ સૈનિકના પરિવાર માટે સંવેદનાનું સૂત્ર બનતી નડીયાદની વિધિ જાદવ

(પ્રતિનિધિ) નડિયાદ, નડીયાદની રહેવાસી અને આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો શહીદ સૈનિકના પરિવારોની મુલાકાત લઈ આર્થિક મદદની સાથે સાથે લાગણી અને આત્મીયતાનો સંબધ બાંધ્યો છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઈ જવાન શહીદ થઈ જાય એવી ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા શાહિદના પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.
તાજેતરમાં સિક્કિમ ખાતે રોડ દુર્ઘટનામાંમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિએ આશ્વાસન પત્ર તેમજ રૂા.૫૦૦૦/- ની ફૂલ નહીં તો ફુલની પાંખડી સમાન આર્થિક મદદ મોકલી આપી છે. આ દુર્ઘટનામાં શહીદ થયેલા કુલ ૧૬ જવાનોના પરિવારો પૈકી વિધિએ હાલમાં જે પરિવારોની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી તેવા શહીદ થયેલા પાંચ જવાનોના પરિવારોને રૂ. ૫૦૦૦-૫૦૦૦ ની રકમ મોકલી આપી છે. જ્યારે બાકીના તમામ શહીદ પરિવારોને પણ ટુંક સમયમાં આર્થિક મદદ મોકલી આપવાનુ તણીનુ આયોજન છે.વધુમાં વિધિ જાદવ આ પરિવારોની મુલાકાત પણ આ વેકેશનમાં લેશે.
વિધિને તેના આ કાર્ય બાબતે પૂછવામાં આવેલ કે તેઓ આ શહીદ પરિવારો માટે બીજું કઈ કરવાનો કોઈ વિચાર આવે છે? તો આ સંદર્ભે તેણીએ જણાવ્યું કે તેઓ શહીદ થયેલા સૈનિક પરિવારો પૈકી જે પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા પરિવારના સંતાનોના શિક્ષણનો ખર્ચ આપવાનું તથા ખાસ કરીને શહીદની દિકરીઓના લગ્નમાં પણ આર્થિક મદદ કરવાનું ઇચ્છે છે. આમ તો વિધિનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો તેનો પરિવાર છે. પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.
પોતાના ક્ષેત્રમાં નામાંકિત અને સમર્પિત દિકરી વિધિ જાદવ સરહદ પર શહીદ થતા દેશના સપુતો પ્રતિ સંવેદના તથા ફૂલની પાંખડીરૂપ નાણાંકીય સેવા માટે વરસોથી સક્રિય છે. શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિ આત્મિયતા અને સંવેદનાથી મળે છે અને પોતાપણું બતાવે છે. વિધિના આગમનને દરેક શહિદ પરિવારે હર્ષ, આનંદ અને ગર્વથી વધાવે છે. વિધિની વિદાય વેળાએ આ પરિવારોના ગર્વમાં છુપાયેલી વેદના પણ જાેવા મળતી હોય છે.
વિધિ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ થયેલા આપણા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાત લઈ ચૂકી છે. તેણીએ અત્યાર સુધી ૧૫૩ થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે. આમ તો કોલેજીયનો વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર જઈ મનોરંજન કરતા હોય છે પણ વિધિ જાદવ દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમના દુઃખને હળવું કરે છે. સો સો સલામ છે, નડિયાદની આ દીકરીને.