પશ્ચિમ-ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારમાં શિતલહેરની આગાહી
નવી દિલ્હી, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વર્ષના પહેલા દિવસે તડકો નીકળ્યો પરંતુ આ અઠવાડિયે ગાઢ ધૂમ્મસ છવાઈ રહેવાના અને ભીષણ કોલ્ડવેવના અણસાર છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમોત્તર ભારતના મોટાભાગના વિસ્તાર શીતલહેરની ચપેટમાં રહેશે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ગાઢ ધૂમ્મસ છવાઈ રહેશે. આ રાજ્યોના અમુક વિસ્તારોની સાથે જ મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગોમાં આગામી બે દિવસ વધારે ઠંડી પડવાની શક્યતા છે.
આઈએમડી અનુસાર સામાન્ય પવન અને સિંધુ-ગંગાના મેદાની વિસ્તારોમાં સપાટીની નજીક ભીનાશના કારણે અત્યારે સામાન્ય ધૂમ્મસ છે. હિમાચલથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાતા પવનના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો, પશ્ચિમોત્તર અને નિકટવર્તી મધ્ય ભારતના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
આના પ્રભાવમાં રાજસ્થાનના ઉત્તરી વિસ્તારોમાં મંગળવાર સુધી ક્યાંક ઠંડી તો ક્યાંક ખૂબ વધારે ઠંડા પવન ફૂંકાઈ શકે છે. ગયા અઠવાડિયે દિલ્હી અને આસપાસના વિસ્તારોને ભીષણ કોલ્ડવેવથી થોડી રાહત મળી હતી. ડિસેમ્બરના છેલ્લા દિવસો સિવાય ગયા અઠવાડિયે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં દિવસે વધારે ઠંડી અનુભવાઈ નહીં. ગાઢ ધૂમ્મસથી પણ રાહત મળી. હવામાન વિભાગે કહ્યુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીથી અમુક રાહત મળી હતી.