વિરમગામ – કરજણ – થાનગઢના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર
જે ગતિએ નાના-શહેરો નગરોના વિકાસ નકશા મંજૂર થાય છે તે જ ઝડપે ડેવલપમેન્ટ પ્લાન મુજબના કામો હાથ ધરવાનું મુખ્યમંત્રીશ્રીનું સૂચન
વિરમગામનો ડી.પી પ્લાન બે જ માસમાં મંજૂર થયો – સૌરાષ્ટ્રના એન્ટ્રી પોઇન્ટ સમાન વિરમગામ શહેરના વિકાસને વેગ મળશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મોટા શહેરો-મહાનગરો સાથે નાના નગરો-શહેરોના વિકાસની પણ સમ્યક વિકાસ નેમ સાથે વધુ ત્રણ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે. વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ, વડોદરાના કરજણ અને સુરેન્દ્રનગરના થાનગઢ નગરોના વિકાસ પ્લાન મંજૂર કર્યા છે.
તદ્દઅનુસાર, વિરમગામ નગરના ડી.પી.ને માત્ર બે જ માસમાં મંજૂરી અપાઇ છે. આ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થતાં સૌરાષ્ટ્રના એન્ટ્રી પોઇન્ટ ગણાતા વિરમગામ શહેરના વિકાસને વેગ મળતો થશે. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લાના કરજણ શહેરના વિકાસ નકશાને પણ અંતિમ-(ફાયનલ) મંજૂરી આપી છે. એટલું જ નહિ, સુરેન્દ્રનગરના થાનગઢ શહેરના વિકાસ નકશાનું પ્રાથમિક જાહેરનામુ પ્રસિધ્ધ કરવા પણ અનૂમતિ આપી છે.
તેમણે સુરત મહાનગરની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં-ર૦ – નાના વરાછા-કાપોદ્રાના બીજા ફેરફારને પણ મંજૂર કરી છે. મુખ્યમંત્રીશ્રીએ જે ત્વરાએ આવા નાના નગરો-શહેરોના વિકાસ નકશાઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અપાય છે તે જ ઝડપે વિકાસ નકશા મુજબના માળખાકીય સુવિધા સહિતના કામો થાય તે અંગે પણ અધિકારીઓને સૂચન કર્યુ છે.