Western Times News

Gujarati News

ગુજરાતના 349 ધાર્મિક-યાત્રા સ્થાનોમાં સોલાર સિસ્ટમ કાર્યરત થતાં વાર્ષિક ૩ કરોડની વીજ બચત

પ્રતિકાત્મક

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી-રાજ્યના યાત્રાધામોમાં રૂ ૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે

Ø  અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનોમઢ-માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે

Ø  ૮ પવિત્ર યાત્રાધામોમાં 24×7 હાઇ એન્ડ સ્વછતા જાળવણી માટે રૂ. ૧૭ કરોડનું બજેટ ફાળવાયુ છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ, ર૮ અન્ય મહત્વના યાત્રાધામો અને ૩પ૮ જેટલા સરકાર હસ્તકના દેવસ્થાનકોના વિવિધ વિકાસ કામોની પ્રગતિ તથા ભાવિ આયોજન અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

પ્રવાસન-યાત્રાધામ સચિવ શ્રી હારિત શુકલા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રાવલે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા મુખ્યમંત્રીશ્રીને યાત્રાધામ વિકાસ બોર્ડની ગતિવિધિઓથી અવગત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન આ બેઠકમાં સહભાગી થયા હતાં.

રાજ્યના ૬૪ યાત્રાધામોમાં રૂ. ૩૩૪ કરોડના વિકાસ પ્રોજેક્ટસ મંજૂર કરવામાં આવેલા છે તે પૈકી ર૬ કામો રૂ. ૧પર.૫૫ કરોડના ખર્ચે પ્રગતિમાં છે તેમજ ૩૮ કામો માટે મળેલી મંજૂરી અન્વયે રૂ. ૧૭૭.૮૦ કરોડના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આ સમીક્ષા બેઠકમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ, માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થ સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ માસ્ટર પ્લાનીંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહિ, માતૃતર્પણ તીર્થ ક્ષેત્ર સિદ્ધપૂર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થા-શ્રદ્ધા સ્થાનકોના પણ સર્વાંગી વિકાસ માટે નાણાં વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પના અનુસાર પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પ૧ શક્તિપીઠના સ્થાનકોના ગબ્બર ફરતે મંદિરો નિર્માણ થયા છે. આ ૫૧ શક્તિપીઠનો  ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ પણ આગામી દિવસોમાં યોજાશે.

આ સાથે કંથારપૂર ઐતિહાસિક વડ ના પ્રથમ તબક્કાના રૂ. ૬ કરોડના વિકાસ કામો, માધવપૂરમાં રૂ. ૪૮ કરોડના વિકાસ કામો, માતાના મઢ ખાતે રૂ. ૩૨ કરોડના વિકાસ કામોના કાર્ય આયોજનની પણ વિસ્તૃત રૂપરેખા આ બેઠકમાં આપવામાં આવી હતી.  યાત્રાધામોની સૌર ઊર્જાથી પ્રકાશિત કરીને વીજ ખર્ચ બચત માટેની જે પહેલ ગુજરાતમાં કરવામાં આવેલી છે તેમાં ૩૪૯ ધાર્મિક સ્થાનોમાં આવી સિસ્ટમ કાર્યરત છે.

આના પરિણામે વાર્ષિક ૩ કરોડ રૂપિયા જેટલી વીજ ખર્ચની બચત થાય છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામોમાં 24×7 સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુસર હાઇ એન્ડ ક્લીનલીનેસ માટે પણ આ બેઠકમાં સૂચન કર્યુ હતું.

રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોને વિવિધ તીર્થ સ્થાનોના દર્શનનો લાભ આપવા શરૂ કરેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાનો ૧ લાખ ૧૮ હજાર યાત્રાળુઓએ લાભ અત્યાર સુધીમાં લીધો છે તેની વિગતો પણ બેઠકમાં રજુ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.