Western Times News

Gujarati News

સત્પુરુષના શરણે જઈએ ત્યારે પોતાની સાચી ઓળખ થાય છે

ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉદ્ધારવામાં, સંસ્કારવામાં અને અધ્યાત્મ પ્રત્યે અભિમુખ કરવામાં ભગવાન સ્વામિનારાયણનું  અભૂતપૂર્વ પ્રદાન છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલાં સર્વતોમુખી સમાજ ઉત્કર્ષના કાર્યોની ભાગીરથીને તેઓની ગુણાતીત સંતપરંપરમાં પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત, ભારત અને વિશ્વભરમાં પ્રવાહિત કરી.

ગરવી ગુજરાતને ગુણવંતું બનાવવામાં જેઓનો સિંહફાળો છે તેવા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતના સમાજજીવનમાં વિરાટ ભૂમિકા અને તેમના પ્રદાનોને આજની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.

દાદા ભગવાન ફાઉન્ડેશનના પૂજ્યશ્રી દીપકભાઈ દેસાઈએ જણાવ્યું, “મુખસ્વામી મહારાજ એવા મહાપુરુષ હતા કે દરેકના દિલમાં વસી જાય. અનેક લોકોના કલ્યાણને અર્થે ઘરો ઘર વિચરણ કર્યું છે અને અનેક લોકોની દાવાનળ રૂપી અગ્નિને શાંત કરી છે.

પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણે સમજાવેલો પ્રખર ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોવા મળતો હતો અને તેઓ દેહભાવથી પર હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર જીવનમાં પોતાના ગુરૂહરિને રાજી કરવા મન વચન અને કાયાથી અથાગ પુરુષાર્થ કર્યાં છે અને એ જ એમનો સર્વોચ્ચ ધ્યેય હતો.

સત્પુરુષના શરણે જઈએ ત્યારે પોતાની સાચી ઓળખ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજ ભલે સ્થૂળ દેહ અહી હાજર નથી પરંતુ સુક્ષ્મદેહે નિરંતર આપણી સાથે છે. દરેક હરિભક્તોને ખરાબ સમયમાં હંમેશા એવી અનુભૂતિ થતી હતી કે,”પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે છે અને તેમની હૂંફ અને પ્રેમ મારી પાસે જ છે , તેઓ હાજરાહજૂર જ છે.”

૮૦,૦૦૦ સ્વયંસેવકો અહી નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય કૃપા રહેલી છે કારણકે તેઓએ ખુદ પોતાનો દેહ ઘસી નાખીને અન્યને માટે જીવ્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ અલૌકિક અને ધાર્મિક નગરી છે જ્યાં શાંતિના સ્પંદનો અનુભવાય છે. સદીઓ સુધી પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ માનવજાતને મળતા રહેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.