શ્રીગંગાનગરની સરકારી શાળા પાસેથી તોપનો ગોળો મળી આવ્યો
જયપુર, ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલ શ્રીગંગાનગર જિલ્લામાં એક સરકારી શાળા પાસેથી તોપનો ગોળો મળ્યો છે. આ ઘટના સામે આવતા વિજયનગરમાં ખળભળાટ મચી ગયો છે. જાેકે રાહતની વાત એ છે કે, કોઈને જાનહાની થઈ નથી. મળતી વિગતો અનુસાર શ્રીગંગાનગર જિલ્લાના વિજયનગરમાં સરકારી શાળા પાસે એક નાળામાં સફાઈ કામગીરી ચાલી રહી છે. નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે નાળાની સફાઈ કામગીરી કરી રહ્યા હતા ત્યારે નાળામાંથી તોપનો ગોળો મળી આવ્યો છે.
તોપનો ગોળો મળવાના કારણે આસપાસના વિસ્તારોમાં દહેશત ફેલાઈ ગઈ. આ ઘટના અંગેની સૂચના મળતાં જ વિજયનગર પોલીસ સ્થળ પહોંચી ગઈ છે અને આ વિસ્તારની સુરક્ષા માટે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, શ્રીગંગાનગર જિલ્લો ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલો જિલ્લો છે. જિલ્લામાં વિજયનગર સરહદી વિસ્તારમાં આવેલો છે. આ તોપનો ગોળો સેનાનો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.