નડિયાદ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો
નડિયાદ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં ડો.આંબેડકર હોલ નડિયાદ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો. જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ કિશોરી મેળાની મુલાકાત લઈ કિશોરીઓ માટે ભેદભાવ રહિત સમાજ નિર્માણ કરવાના સિગનેચર કેમ્પેઈનમાં હસ્તાક્ષર કર્યા. ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ અને નડિયાદ નગરપાલિકા પ્રમુખે કિશોરી મેળાની મુલાકાત લીધી હતી. આ મેળામાં કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનુની સહાય સહિતના સ્ત્રીસશક્તિકરણના પાયાના મુદ્દાઓની માહિતિ આપવામાં આવી.
સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનની “કિશોરી કુશળ બનો”ની થીમ હેઠળ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ અને મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે નડીયાદ ખાતે યોજાયેલા “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળામાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેએ જણાવ્યુ કે નારી એ વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રના ઉત્થાનમાં હમેશાથી કેન્દ્ર-સ્થાને રહેલી છે. ભારતના ખમીરવંત નારી-ઈતિહાસથી પરિચય કરાવતા મેહુલભાઈ દવેએ ઉપસ્થિત સૌને સકારાત્મક બાબતો તરફ જાગૃતિ કેળવવા અને સમગ્ર દેશ અને દુનિયામાં નારી તુ નારાયણીનો ઉદઘોષ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વાલીઓને બાળકોમાં નાનપણથી જ શુભ વિચાર અને આચારણના સંસ્કારો આપવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન દ્વારા બાળ મહિલા સાથે સંબધિત વિભાગોની કામગીરીની પ્રશંસા કરી ઉપસ્થિત તમામ કિશોરીઓને આગામી દિવસોમાં તેજસ્વી કારકીર્દી માટે શુભેચ્છા આપવામાં આવી હતી.આ અવસરે જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ, પોસ્ટ ઓફિસ, પોલિસ વિભાગ, અર્બન હેલ્થ સેન્ટર અને સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ હેઠળ તૈયાર કરવામાં આવેલા સ્ટોલ દ્વારા બાળકોના હક અને કાયદા, ચાઈલ્ડ મેરેજ એક્ટ, પોકસો એક્ટ, મફત કાનૂની સહાય, કૌશલ્ય વર્ધનના વિવિધ ક્ષેત્રો, આઈ.ટી.આઈ અને કે.વી.કે.ના વિવિધ કોર્સ, સી ટીમ સુરક્ષા, સ્વબચાવ શિક્ષણ, પોસ્ટ બચત યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી મેળાઓ તારીખ ૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન યોજવામાં આવી રહ્યા છે. આ શૃંખલામાં આજે નડિયાદ અને મહેમદાવાદ ખાતે કિશોરી મેળાઓનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આગામી તારીખ ૦૯-૦૧-૨૦૨૩ના રોજ વસોની એ.જે. હાઇસ્કુલ ખાતે અને તારીખ ૧૦-૦૧-૨૦૨૩ના રોજ કપડવંજ ખાતે મેળો યોજવામાં આવશે બેટી બચાવો બેટી પઢાવો પૂર્ણ યોજના અંતર્ગત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, આગેવાન વિપુલભાઈ પટેલ, રાગીનીબેન, નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, તાલુકા હેલ્થ ઓફિસર, રોજગાર વિનિમય કચેરી, મહિલા પોલીસ સ્ટેશન, બેન્ક ઓફ બરોડાના પ્રતિનિધિઓ, પ્રોગ્રામ ઓફિસર મનિષાબેન બારોટ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, કિશોરીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા