ડાંગ જિલ્લાના વિકાસ કાર્યો અને યોજનાઓના અમલીકરણમા કોઈ પણ પ્રકારની ઢીલ કે કચાશ ચલાવી નહીં લેવાઈ : પ્રભારી મંત્રી
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી પ્રથમ સમિક્ષા બેઠક
(ડાંગ માહિતી ) આહવા, ડાંગ જેવા છેવાડાના જિલ્લાના વિકાસ કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણના કાર્યો, અને યોજનાકિય લાભોના વિતરણ વેળા સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાની સૂચના આપતા, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ, વિકાસ કાર્યો અને યોજનાકિય લાભોના વિતરણમા અમલીકરણ અધિકારીઓની કોઈ પણ પ્રકારની ઢીલ કે કચાશ કોઈ પણ સંજાેગે ચલાવી લેવાશે નહી, તેમ સ્પસ્ટપણે જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની નિયુક્તિ બાદ જિલ્લા અધિકારીઓની પ્રથમ બેઠકને સંબોધતા મંત્રીશ્રીએ, જે તે વિભાગને ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર પૂર્ણ કરી, જરૂરી વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ પણ સમયસર મેળવી લેવાની તાકિદ કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે આયોજિત બેઠકમા મંત્રીશ્રીએ પ્રજા કલ્યાણના કાર્યો ખોટી રીતે વહીવટી પ્રક્રિયામા ન અવરોધાય તેની તકેદારી દાખવવા પણ અપીલ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મહત્વાકાંક્ષા અનુસાર, છેવાડાના માનવીઓના સર્વાંગીણ વિકાસ માટેના કાર્યો, યોજનાઓનો લાભ સમયસર સંબંધિતોને મળે તે અનિવાર્ય છે તેમ જણાવતા પ્રભારી મંત્રીશ્રીએ, પ્રજા કલ્યાણનુ હિત હૈયે રાખવાની પણ સૌ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જિલ્લાના સાર્વજનિક વિકાસકામો અને યોજનાઓના લાભો મંજૂર કરવામા, અને તેના ખાતમુહૂર્ત/લોકાર્પણ સહિત વિતરણના કાર્યોમા પદાધિકારીઓની હાજરી અનિવાર્ય છે તેમ જણાવ્યુ હતુ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીતે ચર્ચામા ભાગ લેતા અમલીકરણ અધિકારીઓને યોજનાકીય લાભોની પસંદગી પ્રક્રિયા સહિતના પ્રજા કલ્યાણના કાર્યો, ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે સંકલનમા રહીને હાથ ધરવાની હિમાયત કરી હતી.
બેઠક દરમિયાન મંત્રીશ્રીએ આદિજાતી વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, આયોજન મંડળ, એટીવીટી, પાણી પુરવઠા, વાસ્મો, શિક્ષણ, આરોગ્ય, વીજ, માર્ગ મકાન, પશુ પાલન, કાયદો વ્યવસ્થા અને આર.ટી.ઓ સહિત કોવીડ સંબધીત સુવિધાઓની ઝીણવટભરી સમિક્ષા હાથ ધરી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ જિલ્લા વહીવટી તંત્ર વતી પ્રભારી મંત્રીશ્રીનુ સ્વાગત કરી, જિલ્લાના વિકાસ કાર્યો-યોજનાઓથી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. કલેક્ટરશ્રીએ, મંત્રીશ્રીની અપેક્ષાઓ મુજબ જિલ્લાના કાર્યો સમય મર્યાદામા પૂર્ણ થાય તેવી જિલ્લા પ્રશાસન વતી ખાતરી પણ આપી હતી. બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા સહિત જિલ્લાના ઉચ્ચ-વરિસ્ઠ અધિકારીઓ, તાલુકા પંચાયતોના પ્રમુખશ્રીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.