Western Times News

Gujarati News

યુવતી અને તેના પરિવારને બદનામ કરનાર ભુજનો ઈસમ ઝડપાયો

સોશ્યલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી ફોટા એડિટ કરી અશ્લીલ ફોટાઓ મૂકતો હતો ઈસમ

(પ્રતિનિધિ) ભરૂચ, યુવતી સાથે સગપણ તૂટી જતાં તેનો બદલો લેવા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફરિયાદી અને તેના પરિવારના સભ્યોના ફોટાને એડિટ કરી અશ્લીલ ફોટાઓ બનાવી અપલોડ કરી બદનામ કરવાનું કૃત્ય કરનાર ઈસમને ભરૂચ સાયબર ક્રાઈમની ટીમે ભુજના અર્ક ઈસમની અટકાયત કરી છે.

ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબુક સાઈટ ઉપર ફરીયાદી તથા ફરીયાદીના પરિવારના સભ્યોનાં ફોટાઓ મેળવી તેમાં એડીટીંગ કરી અશ્લીલ ફોટાઓ બનાવી ફેસબુક એકાઉન્ટની ટાઈમલાઈન ઉપર અપલોડ કરવામાં આવી રહ્યા હતા.સાયબર ક્રાઈમ પોલીસે એક્શન લઈ ટેકનીકલ એનાલીસીસ સાથે હ્યુમન ઈન્ટેલીજન્સ સાથે તપાસ શરૂ કરી હતી.

આ દરમ્યાન વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ સાહેબ ભરૂચ ડીવીઝન ભરૂચ તરફથી આવા ગુનાને શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના આપવામાં આવી હતી.ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમને લગતા બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એલ.મહેરીયા નાઓએ આ સંવેદનશીલ ગુના તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરાવ્યું હતું.

જેમાં ભરૂચના પરિવારને છેલ્લા ૭ વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા ઈસમને ભરૂચ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે.આરોપી સોશ્યલ મીડીયાના માધ્યમથી ભોગ બનનાર પરિવારના સભ્યોના અશ્લીલ ફોટો બનાવી સોશ્યલ મીડીયા પર વાયરલ કરી બદનામ કરતો હતો.વર્ષ ૨૦૧૫ થી ચાલતા આ સિલસિલામાં પરિવારે ૩ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

સમગ્ર મામલાની તપાસ ભરૂચ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસને સોંપવામાં આવતા ભુજનો સતુભા સોમુભા માધુભા જાડેજા આ હરકત કરી રહ્યો હોવાનું સામે આવતા ઈસમને ભુજ ખાતેથી ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.આરોપી વિરૂદ્ધ ઈ.પી.કો કલમ – ૨૯૨, ૩૫૪(ડી), ૪૬૫, ૪૬૯, ૫૦૦,૫૦૪,૫૦૭ તથા આઈ.ટી.એકટ કલમ – ૬૬(સી) ૬૭ મુજબનો ગુનો નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારના સભ્યોના અશ્લીલ ફોટો બનાવી સોશ્યલ મીડીયા પર વાયરલ કરવાના આવા ગુના જંબુસર અને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આ ઈસમ વિરૂદ્ધ નોંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.