ગણપત વિશ્વ વિદ્યાલય: 28 PhD સહીત 4178 વિદ્યાર્થીઓને પદવી એનાયત, 88 વિદ્યાર્થીઓનું સુવર્ણચંદ્રકથી બહુમાન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગણપત વિશ્વ વિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ સંપન્ન
યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન યુવાનો માટે કાયમનું ભાથું, સદગુણો- સારી ટેવોથી કારકીર્દી દીપી ઉઠે છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન યુવાનો માટે કાયમનું ભાથું હોય છે જે હંમેશા કામ લાગે છે, યુવાનોએ કેળવેલા સદગુણો- સારી ટેવોથી તેમની કારકીર્દી દીપી ઉઠે છે.
સુ-શિક્ષિત યુવાનથી સશક્ત સમાજ નિર્માણ થાય છે. પદવીદાન સમારોહ વિધાર્થીઓના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હોય છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી મહેસાણામાં ગણપત વિશ્વ વિધાલયના ૧૬મા પદવીદાન સમારોહમાં સંબોધન કરી રહ્યાં હતા.
આ પદવીદાન સમારોહમાં ૪૧૭૮ વિદ્યાર્થીઓમાંથી ૨૯૫૮ વિદ્યાર્થીઓ તેમજ ૧૨૨૦ વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરાઇ હતી. ગણપત વિશ્વ વિધાલયના ૮૮ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
યુનિવર્સીટી ખાતે વિશેષ સંશોધન કરેલ ૨૮ વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરાઇ હતી. ૪૧૭૮ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ નવદિક્ષિત યુવાનોને સફળ કારકિર્દીના મંત્ર આપતા કહ્યું કે, યુવાનોએ કોઇ પણ કપરી પરિસ્થિતિમાં કર્તવ્યપથ ઉપર અડગરહી ચાલતા રહેવું જોઇએ. સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કરેલું કામ પણ એક પ્રકારે રાષ્ટ્રસેવા છે અને સારૂ કરિયર બિલ્ડ કરવા માટે જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સંસ્થાકીય શિક્ષણ પુરૂ થયું હોવા છતાં આપણે આજીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઇએ. યુવાનોએ સતત નવું શિખવાનો અભિગમ રાખવો જોઇએ જેથી તે સમયાનુકૂલ પરિવર્તનને અપનાવી શકે. યુવાનોએ પોતાની જ્ઞાન સંપદાનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કરવો જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ભારતને વિશ્વગૂરૂ બનાવાવની દેશના પ્રધાનમંત્રીશ્રીની નેમને સાકાર કરવામાં ગણપત વિશ્વ વિધાલયના છાત્રો પોતાની જ્ઞાન- સંપદાથી સહયોગ આપશે. ગણપતદાદાએ વાવેલું ગણપત વિદ્યાનગરનું બીજ આજે વટવૃક્ષ બની વિધાર્થીઓને ભણતર સાથે ઘડતરના પાઠ શીખવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નિતિ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો દસ્તાવેજ બનશે. નવી શિક્ષણ નિતિ અંતર્ગત એન્જીયરીંગ અને મેડીકલના વિષયોનો માતૃભાષામાં અભ્યાસ થાય તેવું આયોજન કરાઇ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આવનારા ૨૫ વર્ષ-દેશના અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવા યુવાનોને અપીલ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સેન્ટર ઓફ એક્સલન્સ ખુલ્લુ મુક્યુ હતું તેમજ મરીન એન્જીયરીંગ સ્ટડી અંતર્ગત કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.
ગણપત યુનિવર્સિટીના પ્રમુખ, પદ્મશ્રી ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જીવનના દરેક ક્ષેત્રમાં તેમની સામાન્ય સમજનો ઉપયોગ કરવા અને તમારા જીવનના અંતરંગ વર્તુળને વિસ્તારવા અને જીવનમાં સુભગ સંબંધો બનાવતા રહેવાની પ્રેરણા આપી હતી.તેમણે જીવનના મુખ્ય પાંચ લક્ષણો પર ભાર મૂક્યો હતો અને સફળ, પ્રેરણાદાયક અને યોગ્ય જીવન આત્મસાત કરવા પર ભાર મૂક્યો હતો. સંઘર્ષમય પરિસ્થિતિમાં પડકારોમાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાં વધુ મજબૂત અને વધુ દૃઢ બનવા જણાવ્યું હતું..
ગણપત વિશ્વ વિધાલયના કુલપતિ ડૉ. મહેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ગણપતભાઈના અથાગ પરિશ્રમથી મહેસાણા ક્ષેત્રમાં શૈક્ષણિક તેજસ્વીતાનું નવજાગરણ થયું છે અને તેમના પ્રયાસો ચોક્કસપણે ભારતને ફરી એકવાર વિશ્વ ગુરુ બનાવવાની ક્ષમતા ધરાવે છે.તેમેણે ઉમેર્યું હતું કે ગણપત યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીને માત્ર શિક્ષણ અને કૌશલ્ય જ નહીં પરંતુ દરેક વિદ્યાર્થીમાં “પાત્રતા” અને “યોગ્ય ઉદ્દેશ્યો” સાથે ઉછેર કરવામાં આવ્યો છે જેનાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા યુનિ કટિબધ્ધ બની છે.
ગણપત યુનિવર્સીટીના ૧૬ માં પદવીદાન સમારોહમાં ,સ્વામી સચિદાનનંદશ્રી,આરોગ્ય તેમજ ઉચ્ચ તકનીકી શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ,ધારાસભ્ય સર્વેશ્રી મુકેશભાઇ પટેલ,સરદારભાઇ ચૌધરી, ચેરમેન એ.પી.એમ.સી ઊંઝા દિનેશભાઇ પટેલ, ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રો. ડો. શ્રી જયંત વ્યાસ, સુરતની સુવિખ્યાત ડાયમંડ કંપની હરિકૃષ્ણ એકસપોર્ટ પ્રા. લી. ના સ્થાપક-અધ્યક્ષ અને સમાજસેવક પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, ગણપત યુનિવર્સીટીના દાતા-અધિષ્ઠાતા-પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદા) ,ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધીક્ષક ડો અચલ ત્યાગી,નિવાસી અધિક કલકેટર ઇન્દ્રજીતસિંહ વાળા, સહિત વિધાર્થીઓ, વાલીઓ, આમંત્રિત મહેમાનો, ગણપત યુનિવર્સીટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, વિદ્વાન પ્રાધ્યાપકો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદવીદાન સમારોહને સફળ અને સાર્થક બનાવ્યો હતો.