વર્ષે દોઢ લાખ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે
મોતને આલિંગન આપવા જતા હોય એમ લોકો કાર ચલાવતા હોય છે : રફ ડ્રાઈવિંગ જવાબદાર વધુ એક્સપ્રેસ વે બનાવતાં પહેલાં અકસ્માતો અટકાવવાનાં પગલાં લેવાવા જાેઈએ
સરકારે ફોર વ્હીલર્સનું વેચાણ કેટલું વધ્યું તેમાં રસ છે, પરંતુ રોડ અકસ્માત અટકાવવા માટેના કડક પગલાં લેવામાં કોઈ રસ નથી. કોરોના જેવો કાતિલ રોગ ૧૦૦ વર્ષે એકવાર આવે છે, પરંતુ માર્ગ અકસ્માત નામનો વાઈરસ રોજીંદો બની ગયો છે. નથી તેની કોઈ વેક્સિન કે નથી કોઈ બૂસ્ટર ડોઝ, ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી ખુદ કહે છે કે ભારતમાં દર વર્ષે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. તે પૈકી પ૯ ટકા અકસ્મ્તો ઓવર સ્પીડીંગના કારણે થાય છે.
ટોપના સેલિબ્રિટીના અકસ્માત સમાચારોમાં ચમકે છે, પરંતુ સાધારણ આદમીના મોતની કોઈ નોંધ લેવાતી નથી. ક્યારેક કોઈ પુરપાટ ઝડપે દોડતી કારમાં ચાર-પાંચ નબીરા અકસ્માતમાં મોતને ભેટે ત્યારે એકાદ દિવસ માટે તે ચર્ચાનો વિષય બને છે, પછી લોકો તે ભૂલી જાય છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ કહે છે કે મોટાભાગના રોડ અકસ્માતો માટે વધુ પડતી સ્પીડ, રફ ડ્રાઈવીંગ, રોડ પરની સૂચના-સાઈન બોડર્સને સમજવાની બેફિકરાઈ, આગળ જતા વાહનને ઓળંગવાની ચડસાચડસી, આડેધડ ઓવરટેક વગેરે મુખ્ય કારણો છે.
સરકાર નવા એકસપ્રેસ હાઈવે બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ માર્ગ અકસ્માતની સંખ્યા ઓછી કરવાના પગલાં લેવામાં કોઈ નવા આઈડિયા અમલમાં લાવવા માગતી હોય એમ લાગતું નથી.
સીસીટીવી મુકવાથી અકસ્માતો અટકશે એવી ભ્રમણામાંથી સરકારે બહાર આવવા તૈયાર નથી. બહુ વખણાયેલા પણ અકસ્માત ઝોન બની ગયેલા અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર થતાં અકસ્માતો પાછળનું મુખ્ય કારણ માર્ગ પર ઉભી કરેલી ટ્રકો અને અન્ય વાહનો હોય છે. એકસપ્રેસ હાઈવે પર વાહનોનું ચેકીંગ ખાસ થતું નથી. અનેક હેવી લોડેડ ટ્રક બેકલાઈટ વિના ચાલતી હોય છે. તેમાં પાછળ ચમકે એવી ફલોરેસેન્ટ સ્ટ્રીપ પણ લગાવાઈ હોતી નથી. આવી ટ્રકનો ડ્રાઈવરને ગુનેગાર ગણીને કયારેક દંડપાત્ર બને છે, પરંતુ ટ્રકના માલિક સામે કે ટ્રાન્સપોર્ટ કંપની સામે કોઈ પગલાં લેવાતા નથી. પોતે કોન્ટ્રાકટ પર કામ આપેલું છે એમ કહીને મોટા લોકો છટકી જાય છે.
આવી ટ્રકો હાઈવે પર સરકતા જાેખમ સમાન છે. આવી ટ્રકો એકસપ્રેસ હાઈવે પર વચ્ચેની લેન પર ચાલતી હોય છે અને તેની બંને બાજુએથી કાર ચાલકો ઓવર ટેક કરતા હોય છે. ડાબી સાઈડથી ઓવરટેક કરવું જાણે કે ફેશન બની ગયું છે. એકસપ્રેસ હાઈવે પર સતત પોલીસની જીપ ફરતી હોય તો પણ લોકો રફ ડ્રાઈવિંગ ના કરે, પરંતુ આવું કશું નજરે નથી પડતું. રોડ પર ઈમર્જન્સીી ફોન નંબર લખેલાં પાટિયા મૂકયા હોય છે, પરંતુ અકસ્માત થાય ત્યારે લોકોને મદદ માગવા માટે ફોન કરવાનું યાદ પણ આવતું નથી. હાઈવે પર નવી ગાડીઓને ૧ર૦ની સ્પીડે ભાગતી જાેઈને ૭૦ની સ્પીડને વળગીને ચાલનારો પણ આવેશમાં આવી જાય છે. એકસપ્રેસ હાઈવે પર કેટલાકને ખુલ્લો રોડ જાેઈને ગાડી ભગાવવાની મજા આવતી હોય છે.
પ્રોફેશનલ ડ્રાઈવરોને રોડની ખબર હોય છે માટે તે કોન્ફિડન્ટ ડ્રાઈવિંગ કરે છે, પણ જવલ્લે જ હાઈવે પર જનારા ગોાં ખાતા હોય છે. નજીકમાંથી સ્પીડમાં પસાર થતી ગાડીથી તે ડરી જાય છે અને સંતુલન ગુમાવી ગાડીને અથડાવી મુકે છે. શાકભાજી લઈને જતા ડ્રાઈવરોને ચોકકસ સમયે પહોચવાના વધુ પૈસા મળતા હોય છે. હાઈવે પરની હોટલોમાંથી બહાર નીકળતી વખતે પણ અનેક ગાડીઓ ટકરાયાના અહેવાલો છે.
ઓવર સ્પીડીંગના મામલે તાત્કાલિક કોઈ પગલાં લેવાતા નથી. ઝોકું ખાતા ડ્રાઈવરો પણ જવાબદાર છે. ઓવરટયુટી કરતા ડ્રાઈવરોના હાથમાં સ્ટીયરીંગ પડકાવી દેનાર ટ્રાવેલ એજન્ટોની જવાબદારી પણ નકકી થવી જાેઈએ. તેને છેલ્લો ફેરો કરી લેવાનો આદેશ આપનાર એજન્ટોને એ ખબર નથી હોતી કે તે જાણે-અજાણે અનેકની જીંદગીનો છેલ્લો ફેરો લગાવી દઈ શકે તેમ છે.
લોકો મોત સાથે આલિંગન આપવા જતા હોય એમ ગાડી ચલાવે છે. ‘ઝડપની મજા મોતની સજા’ જેવા સરળ સૂત્રોને સ્ટીયરીંગ પર બેસનારા સમજી શકતા નથી. વાલીઓએ પોતાના સંતાનોને ઝડપથી સજા અંગે સમજાવવું જાેઈએ. વ્યક્તિગત સ્તરે પણ આ બાબતે જાગૃતિ ઉભી કરવાની જરૂર છે. સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કરીને અને રોડ-શો દ્વારા વગેરે કરીને લોકોને જાગૃત કરવાની જરૂર છે. માણસની એક ભૂલ બીજા માણસનું મોત નીપજાવી શકે છે.