Western Times News

Gujarati News

કરુણા અભિયાનમાં ભાગીદાર થયા, 10 કંટ્રોલ રૂમ તેમજ 112 કલેક્શન સેન્ટર, 2630 સ્વયંસેવકો 

File

કરુણા અભિયાન-2023 અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા ઉતરાયણમાં ઘાયલ પશુ-પક્ષીઓને બચાવવાનું અભિયાન

10મી થી 20 જાન્યુઆરી સુધી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પર સંપર્ક કરીને મેળવી શકાશે ઘાયલ પશુ પક્ષીઓ માટેની જરૂરી મદદ-ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરી બોલાવી શકાશે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાન

સામાજિક વનીકરણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા કરુણા અભિયાન-2023 દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજિત કરવામાં આવ્યું છે. ઉતરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવતી વખતે કાચ પાયેલી દોરી અથવા ચાઈનીઝ દોરી સાથે અથડાઈને ઈજા પામતા પક્ષીઓને બચાવી તેને સારવાર કરવા અર્થે વન વિભાગ તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ પ્રકારના કરુણા અભિયાન નું આયોજન કરવામાં આવે છે.

તે અનુસાર તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી જરૂરી સારવાર કેન્દ્રો તથા રિસ્પોન્સ સેન્ટરો સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ સ્થળે સ્થાપવામાં આવ્યા છે. આ જીવદયા અભિયાનના કારણે પક્ષીઓના જીવ બચાવી શકાય તે માટે સતત 10 દિવસ સુધી ચાલનારા આ અભિયાનને કરુણા અભિયાન-2023 નામ આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ દોરીથી ઘાયલ થતા અબોલા પશુ-પક્ષીઓની સારવાર કરવી શક્ય બનશે.

આ કાર્યક્રમ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા જિલ્લા કક્ષાએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે 1 અને જિલ્લાના તાલુકા કક્ષાએ કુલ 9, એમ કુલ 10 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 55 સ્વયંસેવી સંસ્થાઓ આ કામગીરીમાં કાર્યરત છે.

પશુપાલન વિભાગ દ્વારા 28 વેટરનરી હોસ્પિટલ, 24 વેટરનરી ડોક્ટર, 6 લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, 10 મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી તેમજ 3 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાન (જેનો ટોલ ફ્રી નંબર 1962 છે.) જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સમગ્ર અભિયાનમાં કુલ 228 ડોક્ટરો ફરજ બજાવી રહેલ છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ 112 કલેક્શન સેન્ટર કાર્યરત છે જ્યાં ઘાયલ પશુ પક્ષીઓને કલેક્ટ કરી તેમને સારવાર અર્થે મોકલી આપવામાં આવશે.

કરુણા અભિયાન-2023 અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ ઉપરાંત પશુપાલન વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, યુ.જી.વી.સી.એલ., ટોરેન્ટ પાવર તેમજ અન્ય સ્વયંસેવી સંસ્થાઓના સાથ સહકારથી સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.

તારીખ 10 જાન્યુઆરીથી સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદની વિવિધ રેન્જ દ્વારા કરુણા અભિયાન કાર્યક્રમ વિશે પ્રજાજનોમાં જાગૃતતા ફેલાવવા માટે વિવિધ પ્રકારના પ્રચાર પ્રસારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

વર્ષ 2022 ના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓ પૈકી 93% જીવંત રેશિયોથી પક્ષીઓને બચાવવાના ઉમદા કાર્ય વન વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતાં. તે મુજબ આ વર્ષે પણ વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનું આયોજન કરવામાં આવેલ છે. કરુણા અભિયાન-2022 અંતર્ગત ઘાયલ થયેલા કુલ 5906 પક્ષીઓ પૈકી 5520 પક્ષીઓને બચાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.