વિદેશી દારૂ ભરેલી ગાડીને ઝડપી ડ્રાઈવરની ધરપકડ, એક ફરાર
મહેસાણા, મહેસાણા તાલુકા પોલીસે ટોલ નાકા પાસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરીને જતી ગાડીને અમદાવાદ પહોંચે એ પહેલા જ ઝડપી પાડી હતી. જેમાં પોલીસને જાેઈ એક આરોપી ફરાર થઈ ગયો હતો, જ્યારે ગાડીમાં બેસેલો અન્ય એક આરોપી ઝડપાઈ ગયો હતો. પોલીસે હાલમાં કુલ ૨.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
મહેસાણા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ઊંઝા બાજુથી વિદેશી દારૂ ભરીને સ્વિફ્ટ કાર અમદાવાદ જવાની છે.
બાતમીના આધારે તાલુકા પોલીસ મહેસાણા નજીક આવેલા મેડવ તોલનાકા પાસે સ્વિફ્ટ કારને ઝડપવાની ફિરાકમાં હતા. ત્યારે ગાડીઓ ચેકિંગ કરતા આ કાર આવતા જ પોલીસે તેને રોકી એક આરોપી પોલીસને જાેઈ ભાગી ગયો હતો. તેમજ ગાડીમાં બેસેલ ખાટ ભાવેશને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગેથી અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૯૨ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. તેની અંદાજિત કિંમત ૮૧ હજાર ૩૦૦ તેમજ ગાડીની કિંમત ૨ લાખ, મોબાઈલ કિંમત ૫ હજાર અને રોકડા ૧૧૦૦ મળી કુલ ૨ લાખ ૮૭ હજાર ૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સમગ્ર કેસમાં પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા ગાડીના ડ્રાઈવરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે અમદાવાદમાં ભાડેથી ગાડી ચલાવું છુ અને સુરેશ નામના વ્યક્તિએ કોલ કરી પરિવારને વતન પાથાવાડ લઇ જવાની વર્ધી આપી હતી. બાદમાં સુરેશે ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવવાના વધારાના ૫૦૦૦ રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને દારૂ ભરીને અમદાવાદ લઈ જવા કહ્યું હતું. સુરેશ ચેકિંગ દરમિયાન ગાડીમાંથી ઉતરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસે બે સામે ગુનો નોંધી તપાસ આદરી છે.