વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી દિલ્હી સહિત ઉત્તર ભારતને ઠંડીમાં રાહત મળશે
નવી દિલ્હી, દિલ્હીમાં મંગળવારે ઠંડા પવનોની સ્થિતિમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થોડી રાહત મળી. જાેકે ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને ૫૦ મીટર રહી ગઈ જેના કારણે માર્ગ તથા રેલવે પરિવહન પ્રભાવિત થયુ. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્રમાં લઘુતમ તાપમાન સોમવારે ૩.૮ ડિગ્રી સેલ્સિયસની સરખામણીએ આજે મંગળવારે ૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ.
ભારતીય હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિઝિબિલિટી ૫૦ મીટર નોંધાઈ. હવામાન કાર્યાલય અનુસાર વિઝિબિલિટી જ્યારે શૂન્યથી ૫૦ મીટરની વચ્ચે રહી જાય છે તો તે સમયે ખૂબ ગાઢ ધૂમ્મસ હોય છે. ૫૧થી ૨૦૦ મીટરની વચ્ચે વિઝિબિલિટીની સ્થિતિમાં ગાઢ, ૨૦૧થી ૫૦૦ મીટરની વચ્ચે મધ્યમ અને ૫૦૧ થી ૧,૦૦૦ મીટરની વચ્ચે વિઝિબિલિટીની સ્થિતિમાં હળવુ ધૂમ્મસ હોય છે.
દિલ્હીમાં સોમવારે સતત પાંચમા દિવસે ઠંડા પવન ફૂંકાતા હતા અને ધૂમ્મસના કારણે માર્ગ, રેલવે અને હવાઈ પરિવહન પણ પ્રભાવિત રહ્યુ. આઈએમડીના અધિકારીઓએ જણાવ્યુ કે પાલમ વેધશાળામાં રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યાથી સોમવારે સાંજે સાડા ચાર વાગ્યાની વચ્ચે વિઝિબિલિટી ૧,૦૦૦ મીટરથી ઓછી નોંધાઈ. આઈએમડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત ઉત્તર ભારતને તાજેતરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ઠંડીથી થોડી રાહત મળશે.
આઈએમડીના એક અધિકારીએ કહ્યુ કે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક વિસ્તારમાં પહોંચે છે તો પવનની દિશા બદલાઈ જાય છે. તેથી પહાડોથી ઉત્તર-પશ્ચિમી ઠંડી હવાઓ અમુક દિવસ માટે ફૂંકાવાનું બંધ કરી દેશે. જેનાથી તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગે કહ્યુ કે લઘુતમ તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે જ્યારે મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે.