લોકદરબારમાં એક જ દિવસમાં ૬૦ વ્યાજખોરો સામે ફરિયાદ
રાજકોટ, રાજ્યભરમાં વ્યાજખોરોનું દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે. વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઉંચા વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે. ત્યારબાદ આ લોકો પૈસા ન ભરી શકે તો તેમની પાસેથી તેમની મિલકત અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પોતાના નામે લખાવી લેતા હોય છે.
ત્યારે આવા વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લેતા અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે.
ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલતી મુહિમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અઠવાડિયું લંબાવી છે, ત્યારે રાજકોટ અને સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રાજકોટ પોલીસના લોકદરબારમાં એક જ દિવસમાં ૬૦ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે કે, લોકદરબારમાં મળેલી ફરિયાદોની એક અઠવાડિયામાં કાર્યવાહી કરાશે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે, વ્યાજખોરી મોટું દૂષણ છે. વ્યાજખોરીની ચિંતા દૂર કરવા માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરાશે. વ્યાજખોરીના દૂષણને અટકાવવા માટે સૌએ સાથે મળીને લડાઈ લડવી પડશે. વ્યાજખોરો સામે કડક કલમ ઉમેરવામાં આવશે.
વ્યાજખોર છૂટે તો પાસા થાય તેવા પ્રયત્ન કરીશું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસ સક્રિય થઈ છે. રાજકોટ ઉપરાંત સુરત પોલીસ પણ વ્યાજખોરો સામે વધુ આક્રમક બની છે. શહેર પોલીસના ડીસીપી ઝોન પાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
એક જ દિવસમાં ૩૦ વ્યાજખોરો સામે ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં રાંદોર વિસ્તારમાં વ્યાજખોર રાજન કાલી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રાજન કાલી સાથે રાંદેરમાં અન્ય ૯ વ્યાજખોરોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ અડાજણ પોલીસે પોલીસે ૭ વ્યાજખોર, પાલ પોલીસે ૩ વ્યાજખોર, અમરોલી પોલીસે ૬ વ્યાજખોરની અટકાયત કરી છે.
ઉપરાંત ઉતરાણ અને જહાંગીપુરા પોલીસ મથક વિસ્તારમાં પણ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ વ્યાજખોરો ૫થી ૧૦ ટકા લેખે વ્યાજની વસૂલી કરતા હતા.