અમદાવાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
માર્ગ અકસ્માત વૈશ્વિક સમસ્યા છે, જેને અવગણવી ન જાેઈએ : એડિશનલ કમિશનર ઓફ અમદાવાદ ટ્રાફિક પોલીસ એન. એન. ચૌધરી
(માહિતી) અમદાવાદ, એડિશનલ કમિશનર ઓફ ટ્રાફિક શ્રી એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે, આજકાલ આપણે સૌ જાેઈએ છીએ કે ક્રાઈમથી લોકોના મૃત્યુ નથી થતા તેટલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. રોજબરોજના સમાચારપત્રોમાં આવી ઘટનાનાં સમાચાર વાંચવા મળે છે. માર્ગ અકસ્માત વૈશ્વિક સમસ્યા છે, જેને નજરઅંદાજ કે અવગણના ન કરવી જાેઈએ, એટલા જ માટે ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા દર વર્ષે ૧૧થી ૧૭ જાન્યુઆરી દરમ્યાન આપણે સૌ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરીએ છીએ.
આ સપ્તાહની ઉજવણી લોકોમાં માર્ગ સલામતી બાબતે જાગૃત કરવા સાથોસાથ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોની જાણકારીથી લોકોને માહિતગાર કરાવવા થાય છે જેથી વાહન ચાલકો વાહન ચલાવતી વખતે નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને અકસ્માત જેવી પરિસ્થિતિનો ભોગ ન બને તેમ તેઓએ જણાવ્યું હતુ. વધુમાં ઉમેર્યું હતું કે, જાે દરેક વ્યક્તિમાં આવી સામાન્ય સમજણ હોય તો તે પણ સમય આવે અકસ્માતથી બચી શકે છે સાથે જ જાે અન્ય કોઈ સાથે અકસ્માત સર્જાય તો ઘાયલ થયેલ વ્યક્તિની મદદ પણ કરી શકે છે. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ કઈ રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવી તે વિશે માહિતગાર કરાવવાનો છે.
આ સપ્તાહમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ, ઝડપી ડ્રાઇવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર વાહન ચલાવવું આ તમામ બાબતો વાહનચાલક માટે કેટલી સમસ્યાઓનું સર્જન કરી શકે છે તે સમજવાનો છે અને અન્યને પણ સાચી સમજણ આપવાનો છે. વધુમાં, ડ્રિંક ડ્રાઇવ ન કરવા તથા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવો અને રોડ પરના વિવિધ સાઈનબોર્ડ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવાનો છે અને પોતે જાગૃત થઈ અન્યને જાગૃત કરવાનો છે.
અંતે તેઓએ જણાવ્યું હતું કે, આ સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને વિવિધ શાળાઓમાં જઈને લોકોમાં માર્ગ સલામતી અને ટ્રાફિકનાં નિયમો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવશે અને ખાસ કરીને બાળકોને નાની વયે વાહનોનો ઉપયોગ ટાળવા અને પોતાની સલામતી રાખવા સાથોસાથ અન્ય લોકોમાં માર્ગ અકસ્માત થતાં અટકાવી શકાય તેવી માહિતી આપી જાગૃત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પોલીસ કર્મીઓએ માર્ગ સલામતી માટેના શપથ લીધા હતા, સાથે જ પોલીસ કર્મચારીઓએ બાઇક રેલી પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી ટ્રાફિક (ઈસ્ટ) શ્રી સફીન હસન, ડીસીપી ટ્રાફિક (વેસ્ટ) શ્રી નીતા દેસાઈ, ડીસીપી ટ્રાફિક (એડમીન) શ્રી બલદેવ સિંઘ વાઘેલા, આર.ટી.ઓ અમદાવાદ શ્રી ઋતુરાજ દેસાઈ, માર્ગ સલામતી એક્સપર્ટ શ્રી અમિત ખત્રી, માર્ગ સલામતી એક્સપર્ટ શ્રી શિલ્પીંગ મજુમદાર, સેન્ટર ડાયરેક્ટર ઓફ અમદાવાદ વન મોલ શ્રી આકાશદીપ સિંઘ સાથે જ અન્ય પોલીસ કર્મીઓ, ટ્રાફિક પોલીસ કર્મી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.