રાજસ્થાનમાં બેઠાં-બેઠાં આરોપીએ અમદાવાદના વેપારીના કરોડો ખંખેરી લીધા
પોલીસને જાણ કરાતા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો છે
અમદાવાદ, સોશિયલ મીડિયા પર યુવતીનો સુંદર ચહેરો જાેઈ એક કંપનીના ડાયરેકટર હનીટ્રેપનો શિકાર બન્યા છે. યુવતીએ વૃદ્ધને ફોન કરીને તેની સાથે વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપીને વીડિયો ક્લીપ બનાવી લીધી હતી. અને બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને અલગ-અલગ પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને કરોડો રૂપીયા પડાવી લીધા હતા. જાે કે પોલીસને જાણ કરાતા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો છે.
સાયબર ક્રાઇમ બ્રાંચે ઠગ તાલીમ તાહિરખાનને રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી ધરપકડ કરી છે. આરોપી તાલીમ ખાનએ વૃદ્ધ ડાયરેકટરને સીબીઆઈના અધિકારી તરીકેની ઓળખ આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી કરોડો રૂપિયા પડાવ્યા હતા.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો જાણીતી કંપનીના ડાયરેક્ટર ૬૮ વર્ષીય વૃદ્ધને થોડાક દિવસો પહેલા અજાણી યુવતીએ મેસેજ કર્યો હતો અને જે બાદ યુવતીએ વૃદ્ધ ડાયરેકટર સાથે મિત્રતા કરી હતી. થોડાક દિવસ બાદ વીડિયો કોલમાં યુવતીએ વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપીને વૃદ્ધ ડાયરેકટરના કપડા કઢાવ્યા હતા અને વીડિયો ક્લીપ બનાવી હતી.
જે બાદ વીડિયો કોલ કાપી નાખ્યો હતો. ત્યાર બાદ વૃદ્ધ ડાયરેકટર બ્લેકમેલ કરવા રેકોર્ડિંગ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. પહેલા ૫૦ હજાર રૂપિયા પડાવ્યા અને બાદમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાથી વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું કહી અલગ અલગ અધિકારીઓ તરીકેની ઓળખ આપી ભોગ બનનાર વૃદ્ધને ડરાવી ધમકાવીને ટુકડે-ટુકડે ૨ કરોડ ૬૯ લાખ રૂપિયા પડાવ્યા હતા.
પકડાયેલ આરોપી તાલીમ ખાને સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપીને ભોગબનાર વૃદ્ધ પાસેથી ૧.૧૭ કરોડ રૂપિયા પડાવ્યા છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે ભોગબનારને ૧૨ જેટલા અજાણ્યા નંબરથી ફોન આવ્યા હતા.
જેમાં યુવતીએ આત્મહત્યા પ્રયાસ કર્યો હોવાથી દિલ્હીથી પીઆઇ તરીકેની ખોટી ઓળખ આપીને વૃદ્ધને કહ્યું હતું કે પોલીસમાં ફરિયાદ ન કરવી હોય અને વીડિયો ક્લીપ ડીલીટ કરવાના અને યુવતીને હોસ્પિટલ ખર્ચ, ડોકટર ખર્ચ મળી તમામ ખર્ચ નામે ૮૦ લાખ ૭૭ હજાર પડાવ્યા હતા.
જે બાદ સીબીઆઈ અધિકારી ખોટી ઓળખ આપી કેસ પતાવવાનું કહી વૃદ્ધ પાસેથી ૪૮ લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ ભોગબનાર વૃદ્ધને ધરપકડ કરવા જયપુરથી પોલીસ આવી રહી હોવાનું કહી ડરાવીને ૨૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ ડીઆઈજી તરીકેની ઓળખ આપીને પૈસા મેળવ્યા હતા.
આરોપી વોટસઅપ પર પ્રોફાઇલમાં છોકરીનો ફોટો રાખી નાગરિકોને વોટસઅપમાં “હાય” લખીને મેસેજ કરતો હતો. જાે કોઈપણ વ્યક્તિ સામેથી મેસેજનો જવાબ આપે તો છોકરી બનીને તેની સાથે ચેટ કરતો હતો. બાદમાં વીડિયો કોલ કરીને બીજા મોબાઈલ ફોનથી છોકરી કપડા કાઢતી હોય તેવા વીડિયો તેને બતાવતો હતો.
અને વર્ચ્યુઅલ સેકસ કરવાના બહાને સામેવાળી વ્યક્તિના કપડાં કાઢી એક મિનિટ જેટલો વીડિયો સ્ક્રીન રેકોર્ડિંગ કરી દેતો હતો. ત્યારબાદ જે તે વ્યક્તિને આ વીડિયો મોકલી તેને બ્લેકમેલ કરી પોલીસ અધિકારીની ઓળખ આપીને રૂપિયા પડાવતો હતો.
આરોપીએ અલગ-અલગ રાજ્યોમાં અનેક લોકોને whatsappના માધ્યમથી ચેટિંગ કરીને તેમની ન્યુડ વીડિયો ક્લિપ બનાવી ડરાવી ધમકાવીને મોટી રકમ પડાવી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ કરતા રાજસ્થાન ભરતપુર જિલ્લાના ચંદુપુરા ગામના બે થી ત્રણ ઠગ શખ્સો ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા છે.
પકડાયેલ આરોપી તાલીમ ખાનના બે મોબાઇલ મળી આવ્યા હતા. જેમાં અનેક નંબરો અને ન્યૂડ વીડિયો મળી આવ્યા છે. જેને લઈ મોબાઇલ તપાસ કરી રહ્યા છે કે અન્ય કોઈ વેપારીઓ ભોગ બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.