૨૦૨૪માં મોદીને જનતા આર્શીવાદ આપશેઃ શાહ
ગાંધીનગરથી અમિત શાહે મિશન ૨૦૨૪નો કર્યો પ્રારંભ
(એજન્સી)ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વ નિમિતે ગુજરાતના પ્રવાસે છે. જેમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે. તેમજ અમિત શાહ લોકસભા વિસ્તારને અનેક ભેટ આપી છે. જેમાં મોટી આદરેજ ગામે વિકાસ કાર્યોની ભેટ આપી વિવિધ કામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યું.
બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ લોકસભા ક્ષેત્ર ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મિશન ૨૦૨૪નો પ્રારંભ કર્યો છે. અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું છે કે ૨૦૨૪માં ગુજરાત જ નહીં દેશની જનતાએ નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનું નક્કી કરી લીધું છે.
અમિત શાહે ગાંધીનગરથી મિશન ૨૦૨૪નો પ્રચંડ પ્રારંભ શરૂ કરી દીધો છે. ગાંધીનગરમાં કોંગ્રેસ અને મફતની રાજનીતિ પર અમિત શાહે આકરા પ્રહારો કર્યા છે. ૨૦૨૪માં લોકસભાની પ્રચંડ જીતનો અમિત શાહે હુંકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, મફતની રાજનીતિ કરનારાઓના મોં પર લોકોએ તમાચા માર્યા છે. કોંગ્રેસીયાઓ આ વખતે નવા કપડાં પહેરીને આવ્યા હતા, પરંતુ ૨૦૨૪માં નરેન્દ્ર મોદીને દેશની જનતા આશીર્વાદ આપશે.
લોકસભા ક્ષેત્ર ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કાર્યક્રમમાં દરેક લોકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ભારતીય સૈન્યનો સ્થાપના દિવસ છે. દેશની સુરક્ષા માટે કાયમ તૈયાર રહેતા ભારતીય સૈન્યને સલામ છે.
દેશ માટે પોતાના જાન ન્યોછાવર કરનાર તમામ વીર સપૂતોને આજે હું સલામ કરું છું. ગાંધીનગર ઉત્તર બેઠક ભાજપ પાસે નહોતી પણ તમે ભાજપના રીટા બેનને ચૂંટીને મોકલ્યા છે. પહેલા ફરિયાદ રહેતી હતી કે ચાવડા સાહેબ નથી કરતા પણ હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર જાેડે કામ કરશે.
અમિત શાહે ઉમેર્યું હતું કે, હું તમને આજે વિશ્વાસ અપાવું છું કે આ વિસ્તારના વિકાસ માટે હું ક્યારેય કચાસ નહીં રાખું. કામ કરીને હિસાબ આપવો એ અમારું કામ છે. કોઈપણ સરકાર કામ કરે કે ન કરે, મતદારો એનો જવાબ ચૂંટણીમાં આપી જ દે છે. કોંગ્રેસીના લોકો આ વખતે પણ નવા કપડાં પહેરીને આવ્યા હતા.
કેટલાક દિલ્લીથી આવ્યા હતા. પરંતુ ગુજરાતની જનતાએ બધાને જાેરદાર જવાબ આપી દીધો છે. ૨૦૨૪ માં ફરી દેશની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાતના પરિણામોએ દેશ આખામાં ખુબ મોટો મેસેજ આપ્યો હોવાની વાત કરી હતી.