પૈતૃક સંપત્તિમાં દીકરા- દીકરીઓનો સમાન હક: સુપ્રીમ કોર્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Supreme-Court-order.jpg)
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે મહિલાઓના હકમાં એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પિતાની પૈતૃક સંપત્તિમાં દીકરીનો દીકરા જેટલો જ હક છે, જરાય ઓછો નહીં. તેણે કહ્યું કે દીકરી જન્મની સાથે જ પિતાની સંપત્તિમાં સમાન હકદાર બની જાય છે.
દેશની સુપ્રીમ કોર્ટેની ત્રણ જજાેની બેન્ચે આજે સ્પષ્ટ કરી દીધું કે ભલે પિતાનું મૃત્યુ હિન્દુ ઉત્તરાધિકારી (સંશોધન) કાયદો, ૨૦૦૫ લાગુ થતા પહેલા થઇ ગયું હોય તેમ છતાંય દીકરીઓનો માતા-પિતાની સંપત્તિ પર અધિકાર હશે.
સુપ્રીમ કોર્ટે એ વાત પર ભાર મૂક્યો કે પિતાની પૈતૃક સંપત્તિમાં દીકરીનો પોતાના ભાઇ કરતાં જરાય ઓછો હક નથી. તેણે કહ્યું કે જાે દીકરીનું મૃત્યુ ૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલા થઇ જાય તો પણ પિતાની પૈતૃક સંપત્તિમાં તેનો હક રહેશે. તેનો અર્થ એ થયો કે જાે દીકરીના બાળકો ઇચ્છે તો પોતાની માતાના પિતા ની પૈતૃક સંપત્તિમાંથી ભાગ લેવા માટે દાવો કરી શકે છે. તેમને પોતાની માતાના અધિકાર તરીકે તેની પૈતૃક સંપત્તિમાંથી ભાગ મળશે.
દેશમાં ૯ સપ્ટેમ્બર, ૨૦૦૫થી હિન્દુ ઉત્તરાધિકારી (સંશોધન) કાયદો, ૨૦૦૫ લાગુ થયો છે. તેનો અર્થ છે કે જાે પિતાનું મૃત્યુ ૯ સપ્ટેમ્બર, ૨૦૦૫ પહેલા થઇ ગયું હોય તો પણ દીકરીઓનો પૈતૃક સંપત્તિ પર અધિકાર રહેશે. જસ્ટિસ અરૂણ મિશ્રાની આગેવાની વાળી ત્રણ જજાેની બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.
જસ્ટિસ મિશ્રાએ ચુકાદો વાંચતા કહ્યું કે, દીકરીઓને દીકરા સમાન અધિકાર આપવો પડશે કારણ કે દીકરી આખુ જીવન હૃદયની નજીક રહે છે. દીકરી આજીવન હમવારસદાર રહેશે, ભલે પિતા જીવતા હોય કે મૃત્યુ પામ્યા હોય. હિન્દુ સક્સેશન એક્ટ, ૧૯૫૬માં વર્ષ ૨૦૦૫માં સંશોધન કરી દીકરીઓને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર પ્રાપ્ત કરવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો.
જૂના કાયદા અંતર્ગત દીકરી ત્યારે જ પોતાના પિતાની સંપત્તિમાં પોતાનો ભાગ માગી શકે છે જ્યારે પિતા ૯ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ જીવતા હોય. પરંતુ પિતાનું મૃત્યુ આ તારીખ પહેલા થઇ ગયું હોય તો દીકરીનો પૈતૃક સંપત્તિ પર કોઇ અધિકાર નહીં હોય.HS1MS