અમદાવાદ સિવિલમાં બહેનની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા 75 લાખનું દાન કર્યું
ઉર્વશીબહેને જીવનની અંતિમ ક્ષણોમાં વસિયત(વિલ)માં લખ્યું હતું કે, “મિલકતને લોકઉપયોગી થવાય તે રીતે દાન કરજો”
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત રીતે સંભવિત સૌથી મોટું દાન : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન ભૂતો ન ભવિષ્યતી કહી શકાય તે પ્રકારનું વ્યક્તિગત સ્તરે નાણાકીય દાન કરવામાં આવ્યું છે. નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રએ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂ. ૭૫ લાખનું ઐતિહાસિક દાન કર્યું છે.
નરેન્દ્રભાઇનાં બહેન ઉર્વશીબહેન બીમાર રહેતાં હતાં અને તેમને મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો ત્યારે તેઓએ વસિયત નામા (વિલ)માં લખાવ્યું હતું કે “મિલકતનો મંદિરમાં નહિ પરંતુ સીધી રીતે લોકઉપયોગી થઈ શકાય તે પ્રકારે દાન કરજો.”
આપણી સંસ્કૃતિમાં ભાઈ બહેનને તમામ પ્રકારની સમસ્યાઓ, તકલીફ સામે રક્ષણ આપવા ઉપરાંત તેની ઇચ્છાઓ પૂરી કરવા પ્રયાસો કરતા જોવા મળે છે.
પીજ ગામના આ નરેન્દ્રભાઈએ પોતાની બહેનની અંતિમ ઇચ્છાને પૂરી કરવા એક ઉમદા પગલું ભર્યું અને આજે સિવિલ હોસ્પિટલમાં લોકઉપયોગી થવાના શુભ આશયથી રૂ. ૭૫ લાખનું દાન કર્યું.
રૂ. ૭૫ લાખના દાનને સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત સ્તરે કરવામાં આવેલ અત્યારસુધીનું સંભવિત સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે.
આ અંગે નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા બહેન ઉર્વશીએ જીવનપર્યંત જનઉપયોગી કાર્યો જ કર્યાં છે. તેમણે પાઇ પાઇ ભેગી કરીને ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. તેઓ સાડીની દુકાન ચલાવતાં હતાં. તેઓ જીવનભર આત્મનિર્ભરતાની વિચારધારાનું પાલન કરીને કાયમ પગભર જ રહેલાં.
ગયા વર્ષ બીમારીના કારણે જાન્યુઆરી મહિનામાં જ તેમનું નિધન થયું હતું. જિંદગીના છેલ્લા દિવસોમાં તેમણે આ લોકકલ્યાણનું કાર્ય કરવા દાન કરવાની અંતિમ ઇચ્છા પોતાના વિલમાં દર્શાવી હતી. જે આજે અમેરિકાથી આવીને પૂર્ણ કર્યા બાદ અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ.
વધુમાં નરેન્દ્રભાઈએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલની સેવાકીય કાર્યો વિશે અમને અવાર-નવાર જાણ થતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં જરૂરી સાધન સામગ્રી, ઉપકરણો, વોર્ડમાં જરૂરી સેવાઓ ઉપલ્બધ બને તેવા ઉમદા હેતુથી અમે આ દાન કર્યું છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હરહંમેશથી દાનની સરવાણી વહેતી રહી છે. પરંતુ અમારા ધ્યાન મુજબ નરેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવેલ રૂ. 75 લાખનું દાન વ્યક્તિગત સ્તરે સૌથી મોટું દાન છે.
ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલને પ્રાથમિકતા આપતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને તમામ પ્રકારની સુવિધાઓ, જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. સમાજ અને સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલનાં સેવાકીય કાર્યોનો રથ અવિરતપણે આગળ ધપી રહ્યો છે. સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્ર નરેન્દ્રભાઈનો અને સદગત ઉર્વશીબહેનનો આ મહાદાન બદલ આભાર માનીએ છીએ.