ફૂલહાર કરીને ઘરે આવેલી દુલ્હન એક રાત રોકાઈને 1.90 લાખ લઈને રફ્ચક્કર
સાવરકુંડલાનો રત્નકલાકાર લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યોઃ રૂા.૧.૯૦ લાખ ગુમાવ્યા
અમરેલી, સાવરકુંડલાનો રત્નકલાકાર યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. ચાર મહિલા સહિત પાંચ શખ્સની ટોળકીએે એક સંતાનની માતા સાથે ફૂલહાર કરાવી રૂા.૧.૯૦ લાખ પડાવી લીધા હતા. અને આ યુવતિ એક રાત રોકાઈ રફૂચક્કર થઈ જતાં પોલીસમાં છેેતરપીંડીનો ગુનો નોંધાયો છે.
જાણવા મળેલી માહિતી અનુસાર સાવરકુંડલામાં રહેતા રત્ન કલાકાર નિકુંજ અશોકભાઈ મગાણી (ઉ.વ.૩પ) એ પાલીસમાં ફરીયાદ કરી હતી કે તેની જ્ઞાતિમાં સગાઈ થતી ન હોવાથી તેણે થોરડી ગામના કિશોર મગનભાઈ મકવાણા નામના લુહાર શખ્સની મદદથી બહારની સેજલ નામની યુવતિ સાથે થોરડી ગામે કિશોરભાઈના ઘરે જ લગ્ન કર્યા હતા. અને લગ્ન પેટેે રૂા.૧.૯૦ લાખ ચુકવ્યા હતા.
ત્યારબાદ આ યુવતિ તેની સાથેે એક રાત રહ્યા બાદ પિયર જવાનું કહીનેે જતી રહી હતી. અને ફોન કરી પોતાનું નામ સેજલ નહીં પરંતુ મુસ્કાન શેખ છે અને પોતે મુસ્લીમ અને એક સંતાનની માતા હોવાથી તમારી સાથે લગ્નજીવન વિતાવી શકીશ નહીં એમ કહીને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી તેણે કિશોરભાઈનો સંપર્ક સાધ્યો હતો.
તેમણે પૈસા પરત આપી દેવાનું આશ્વાસન આપ્યુ હતુ. બાદમાં એક મહિના પછી જેે યુવતિ સાથે ફૂલહાર વિધિ કરેી હતી તે યુવતિના મોબાઈલ ફોન આવ્યો હતો. જેમાં તેમણે વૉટસ ઍપ મારફતે એક વિડીયો મોકલ્યો હતો. જે વિડીયોમાં આ ષડયંત્રની દલાલ કાજલ તેમજ કિશોરભાઈની બહેન શોભના સામેલ હોવાનું જણાવ્યુ હતુ.
લૂંટેરી દુલ્હન ષડયંત્રનો ભોગ બનેલા રત્નકલાકાર નિકુંજ અશોકભાઈ મગાણીએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં કિશોર મંગન મકવાણા સેજલ ઉર્ફે મુસ્કાન, સેજલ ઉર્ફે મુસ્કાનની માતા ગીતાબેન, દલાલ કાંજલ અને કિશોરભાઈની બહેન શોભનાબેન સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવતા પીઆઈ જે.એન.પરમારે વધુ તપાસ હાથ ધરી છે.