માં વિશ્વંભરી તિર્થયાત્રા ધામ ખાતે ગૌપૂજન દ્વારા ગૌઉપાસના જાગૃતિ અભિયાન
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડના રાબડા ગામે આવેલ માં વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ગીર ગાયોની એક આદર્શ ગૌશાળા (વૈકુંઠ ધામ) આવેલ છે. ગૌ ઉપાસના, ગૌ સંવેદના અને ગૌ ચેતના દરેક માનવીમાં જાગૃત થાય તેવા ઉદેશ્યથી મકરસક્રાંતિના પર્વ પર અહીંયા ગૌશાળામાં ગૌપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગૌપૂજનના આ કાર્યક્રમમાં અસંખ્ય લોકોએ પોતાના હસ્તે ગાયોને લીલો ઘાસચારો, ખોળ, દાણ, ગોળ, લાડુ ખવડાવીને ધન્યતા અનુભવી હતી.
ભારતીય ધર્મગ્રંથોમાં ગાયને સૌથી વધુ પવિત્ર અને પૂજ્ય માનવામાં આવે છે. ગાય એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ દેવી જીવ છે. ગાયમાતા ભારતીય સંસ્કૃતિનું ગૌરવભર્યું પ્રતિક છે. માનવ જાતિને માતા જેવો, સ્નેહ અને વાત્સલ્ય ગૌમાતા પાસેથી મળે છે. ગીર ગાય કે દેશી ગાયના પીઠ પર આવેલી ખુંધમાં સૂર્યકેતુ નાડી હોય છે તેના દ્વારા સૂર્યના કિરણમાંથી પોષકતત્વો ગ્રહણ કરી સુવર્ણ ક્ષાર ઉત્પન્ન થાય છે. ગાયના દૂધમાં જેટલાં ઉપયોગી ખનીજ, ક્ષારો, રોગનિરોધક તથા બળવર્ધક જીવન જરૂરી તત્વો હોય છે તેટલાં બીજા કોઈ પશુના દૂધમાં નથી. માનવીના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગાયનું દૂધ એક સર્વશ્રેષ્ઠ પૌષ્ટિક આહાર છે.
મનુષ્યના શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસમાં ગાયનું સૌથી વધારે મહત્વ હોવાથી તેને ગાયમાતા કહેવામાં આવે છે. પરંતુ આજે વિશ્વમાં અને આપણા દેશમાં મનુષ્યએ ગાયમાતાનું ગૌરવ ભૂલી ઘોર ઉપેક્ષા સાથે એને રસ્તે રઝળતી મૂકી દીધી છે. ગાયમાતાનાં રક્ષણ, પાલન, પોષણ અને સંવર્ધન માટે ખૂબ મોટા પાયે નિષ્ઠાભર્યા આયોજનની તાતી જરૂર છે. મનુષ્ય જાે ગાયમાતા પ્રત્યેની પૂરી ફરજ બજાવે તો એના ઋણમાંથી એ મુક્ત બની શકે છે.