Western Times News

Gujarati News

મચ્છરોના ઉપદ્રવ માટે “મેટ્રો” પણ જવાબદાર

પશ્ચિમઝોનના આઠ વોર્ડની સાઈટો પર ચકાસણી દરમ્યાન ૧૪૦ સ્થળે બ્રીડીગ મળ્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસ વધી રહયા છે. ડેન્ગ્યુ, ચીકનગુનીયા, કોલેરા અને કમળાના રોગચાળાએ આતંક મચાવ્યો છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુના ચાર હજાર જેટલા કેસ નોધાયા છે. જે છેલ્લા એક દાયકામાં સૌથી વધુ જયારે પાણીજન્ય રોગચાળાના ટાઈફોઈડના પણ પાંચ હજાર કેસ કન્ફર્મ થયા છે.

મ્યુનિ.આરોગ્યખાતા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ડોર ટુ ડોર સર્વેના ચાર રાઉન્ડ કરવામાં આવ્યા છે. તથા નાગરીકોમાં જાગૃતતા આવે તેના માટે પણ પ્રયાસો કરવામાં આવી રહયા છે. પરંતુ બીજી તરફ કન્સ્ટ્રકશન સાઈટો અને અન્ય કોમર્શીયલ મિલ્કતોમાં મોટાપાયે મચ્છરના લાઆ મળે છે.

ચોકાવનારી બાબત એ છે કે મેટ્રોરેલ પ્રોજેકટની મોટાભાગની સાઈટો પર મચ્છરના બ્રીંડીગ મળ્યા છે. મ્યુનિ. કોર્પોરેશને આ મુદ્દે આકરા પગલા લીધા છતાં “મેગા” કંપનીએ સાવચેતી ના કોઈ જ પગલા લીધા નથી.

શહેરના પશ્ચિમ,મધ્ય અને નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં ઘણા સમયથી મેટ્રોરેલનું કામ ચાલી રહયું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પ્રોજેકટના સ્થળે વપરાશમાં લેવાતા પાણીના પાત્રો ખુલ્લા હોવાથી તેમજ સાઈટ પર પડી રહેલ બિનજરૂરી માલસામાનમાં પણ પાણીનો ભરાવો થવાના કારણે મચ્છરના બ્રીડીગ મળી આવ્યા હતા.

મ્યુનિ.કોર્પોરેશન ર૦૧૭ અને ર૦૧૮માં મેટ્રોરેલ પ્રોજેકટના જવાબદાર અધિકારીઓને મચ્છરબ્રીડીગ બાબતે આરોગ્યલક્ષી શિક્ષણ આપ્યું હતું તથા એન્ટી સર્વીસ મેઝર્સ લેવાની કામગીરી પણ કરાવી હતી તેમ છતાં ર૦૧૯માં મેટ્રોના અધિકારીઓએ કોઈ જ તકેદારી રાખી ન હતી. તેમજ મેટ્રોની ૧પ કરતા વધુ સાઈટો પરથી મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા હતા.

જેના કારણે મનપા દ્વારા મેટ્રોની સાઈટ ઓફીસ સીલ કરવી, વહીવટી ચાર્જ વસુલ કરવા તથા નોટીસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યા મુજબ પશ્ચિમઝોનની વિવિધ સાઈટો પર ત્રણથી ચાર તબકકામાં મેટ્રો સાઈટ ના ચેકીગ કરવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં વાસણાથી ચાંદખેડા સુધીના ૦૭ વોર્ડની સાઈટો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧ર સ્થળે મચ્છર બ્રીડીંગ મળ્યા હતા. આરોગ્ય-વિભાગે ચાંદખેડા સાઈટની ઓફીસ સીલ કરી હતી.

બીજા રાઉન્ડમાં ર૯ સ્થળે મચ્છરબ્રીડીંગ મળ્યા હતા. જેમાં સાબરમતીની સાઈટ પર સૌથી વધુ ૧૩ જગ્યાએ બ્રીડીંગ મળી આવ્યા હતા. પશ્ચિમઝોન મેલેરિયાખાતાની ટીમે ત્રીજા રાઉન્ડમાં કુલ આઠ વોર્ડ પર ચકાસણી કરી હતી. જેમાં ર૮ જગ્યાએ મચ્છરબ્રીડીંગ મળ્યા હતા. ચોથા રાઉન્ડના સર્વેમાં પણ આઠ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જેમાં રપ જગ્યાએ બ્રીડીંગ મળ્યા હતા. મેટ્રો સાઈટ પર ચાર વખત ચકાસણી કરવામાં આવી હતી તથા તમામ રાઉન્ડમાં મોટાપાયે મચ્છરબ્રીંડીગ મળ્યા હતા. તેથી પ્રથમ રાઉન્ડમાં બ્રીડીંગ મળવા બદલ રૂ.રપ હજાર બીજા રાઉન્ડમાં બ્રીંડીગ મળવા બદલ રૂ.૬૦ હજારની પેનલ્ટી કરવામાં આવી હતી.

તેમ છતાં મેટ્રોની કામગીરીમાં સુધારો ન આવતા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસેથી સાઈટ ઓફીસ સીલ કરવામાં આવી હતી.
મેટ્રોના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહયો હોવાની ફરીયાદ કોર્પોરેટરો અને નાગરીકો દ્વારા પણ કરવામાં આવી હતી. તેથી ગંભીરતા ને ધ્યાનમાં લઈને રૂ.પાંચ લાખ વહીવટી ચાર્જ લેવા માટે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.

પશ્ચિમઝોન મેલેરિયા ખાતાની ટીમે અલગ-અલગ સમયે વાસણાથી ચાંદખેડા સુધી મેટ્રો સાઈટ પર કરેલી ચકાસણી દરમ્યાન ૧૪૦ સ્થળે બ્રીડીંગ મળ્યા બાદ ચેતવણી આપવામાં આવી હતી તેમ છતાં મેટ્રોના અધિકારીઓ બેદરકાર રહયા હતા. તેથી મ્યુનિ.આરોગ્ય ખાતાને આકારા પગલા લેવા ફરજ પડી હતી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.