જિલ્લા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લાના વિકાસ કામોની પ્રગતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
આરોગ્ય, પોષણ, શિક્ષણ સહિત જુદા જુદા ક્ષેત્રોમાં નર્મદા જિલ્લાએ સાધેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરતા મંત્રી ભીખુસિંહજી પરમાર
રાજપીપલા, નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રભારીમંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર આજરોજ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જિલ્લા પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન અને નેતૃત્વમાં નર્મદા જિલ્લાએ જુદા-જુદા ક્ષેત્રોમાં સાધેલા વિકાસની સ્થિતિ અને ભાવિ આયોજન અંગે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓએ પ્રભારીમંત્રીશ્રી સમક્ષ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિતાર રજૂ કર્યો હતો. વિવિધ ક્ષેત્રે વિકાસના હાંસલ કરેલા પરીણામોથી વાકેફ કરતા જુદા-જુદા વિભાગના વડાશ્રીઓએ પોતાના ક્ષેત્રમાં સાધેલી પ્રગતિથી મંત્રીશ્રી ભીખુસિંહજીને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા.
ઉક્ત બેઠકમાં નર્મદા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ તથા પ્રવાસન ક્ષેત્ર સહિત જુદા-જુદા ક્ષેત્રોમાં સાધેલ પ્રગતિ અને એસ્પિરેશન જિલ્લો નર્મદાને ઇન્સ્પિરેશનલ બનાવવાના ઉમદા આશય સાથે વહિવટીતંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરી અને તેના થકી થયેલી પ્રગતિને બિરદાવી પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની યોજનાઓનો બહોળા પ્રમાણમાં છેવાડાના લોકો સુધી પહોંચાડી જનસુખાકારી માટે તેમજ માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં નર્મદા જિલ્લા વહિવટીતંત્રએ કરેલા પ્રયાસો અને પરીણામલક્ષી કામગીરી ખરેખર ખુબ જ સરાહનીય છે, આ કામગીરી વધુ વેગવાન બનાવીને જિલ્લાને વિકાસનું મોડેલ બનાવવા તેમજ સરકારશ્રીના વિવિધ વિભાગમાં આવતા જિલ્લાના તમામ અરજદારોના પ્રશ્નોને યોગ્ય સમયે વાચા આપીને તેમની સમસ્યાનો સત્વરે નિકાલ કરવા અંગે તેઓશ્રીએ જિલ્લા વહિવટીતંત્રને રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પ્રભારી મંત્રીશ્રીને જિલ્લાની વેગવંતી પ્રગતિથી અવગત કરાવીને ભવિષ્યમાં જિલ્લાના નાગરિકોને વિકાસ કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહીને કામગીરી કરવા અંગે વિશ્વાસ અપાવ્યો હતો. આ બેઠકમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, ધારીખેડા સુગર ફેકટરી અને દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નર્મદા વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, નાયબ વન સંરક્ષકશ્રી (સામાજીક વનિકરણ) શ્રી મિતેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુધાબેન વસાવા, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ-કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.