Western Times News

Gujarati News

અંતરની આંખે, પવિત્ર અગ્નિની સાક્ષીએ ૧૪ પ્રજ્ઞાચક્ષુઓ પાડશે પ્રભુતામાં પગલા

સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ આયોજીત કરાશે ૨૮મો સમૂહ લગ્નોત્સવ

(માહિતી) અમદાવાદ, આ એવા સમૂહ લગ્ન છે જ્યાં ઢોલ-શરણાઈ, જાનનું સ્વાગત, હસ્તમેળાપ અને વિદાય વગેરે તમામ બાબતો અનોખી હશે કારણ કે આ સમૂહ લગ્ન પ્રજ્ઞાચક્ષુ યુવક-યુવતીઓના છે. ઉપરોક્ત તમામ રીતિરિવાજાેને અંતરની આંખે નિહાળી ૧૪ પ્રજ્ઞાચક્ષુઓ અગ્નિની સાક્ષીએ લગ્નના પવિત્રબંધનથી બંધાવવાના છે. સુરેન્દ્રનગરની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા અમદાવાદમાં તારીખ ૨૨, જાન્યુઆરી ૨૦૨૩ના રોજ આયોજીત પ્રજ્ઞાચક્ષુ દંપતીઓના સમૂહ લગ્ન યોજાશે. સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થા દ્વારા આયોજીત કરાયેલો આ ૨૮મો લગ્નોત્સવ છે. ૨૨ જાન્યુઆરી, રવિવારના રોજ વહેલી સવારથી જ અમદાવાદના સરખેજ ધોળકા હાઈવે પર નવી ફતેહવાડી વિસ્તારમાં સ્થિત મહિમા વિહારધામ ખાતે જાન આગમન થશે. ત્યારબાદ અલ્પાહાર, મંડપ મૂર્હુત, વરઘોડો, સામૈયુ, હસ્તમેળાપ, શ્રેષ્ઠીઓનું સન્માન, ભુમિ પૂજન, અંધબહેનોની રસોઈ સ્પર્ધા, સ્વરૂચી ભોજન અને અંતે વિદાયનો કાર્યક્રમ નિર્ધારીત કરવામાં આવ્યો છે.

યુવક-યુવતીઓ જેઓ પાડશે પ્રભુતામાં પગલા ૧ ચિ. સીતાબેન- ચિ.સુનિલભાઈ ૨.ચિ.ભારતીબા-ચિ. વિક્રમસિંહ ૩.ચિ.હીરાબેન-ચિ.હસમુખભાઈ૪. ચિ.વસંતાબેન-ચિ.લક્ષ્મણભાઈ ૫.ચિ.ભારતીબેન-ચિ.કલ્પેશભાઈ ૬.ચિ.મુન્નીબેન-ચિ.રમેશભાઈ ૭.ચિ.છાયાબેન-ચિ.અરવિંદભાઈ આ સમૂહ લગ્નની વિશેષતાઓની વાત કરીએ તો સૌ પ્રથમ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના લગ્ન થવા તે જ સૌથી મોટી વિશેષતા છે, પ્રજ્ઞાચક્ષુઓ પરણીને સુખી થાય તે હેતુ સાથે આ લગ્નોત્સવ આયોજિત કરાયો છે. જેમને સમાજના સહારાની જરૂર છે તેવા યુવક યુવતીઓ એકબીજા સાથે લગ્નની ગાંઠે બંધ થાય એકબીજાનો સહારો બનશે. ત્યારે કેટલીટ મુખ્ય વિશેષતાઓ પર નજર કરીએ આ લગ્નોત્સવમાં વર અને કન્યા જ્ઞાતિના બંધનોથી પર થઈ એકબીજા સાથે જીવનભર સાથ નિભાવવાના વચને બંધાશે. લગ્ન ઉત્સવમાં બે જાેડા એવા છે જેમના નામોની શરૂઆત સમાન અક્ષરથી થાય છે જેમાં એક દંપતી સુનિલ અને સીતા છે અને બીજું દંપતી હસમુખ અને હીરા છે. લગ્નોત્સવમાં મોરબીના લક્ષ્મીનગરના ત્રણ ઉમેદવારો છે જેમણે તેમના સાથીની પસંદગી જાતે જ કરી છે અને તેમણે નામની નોંધણી કરાવી છે. લગ્નોત્સવમાં કેટલાક યુવક યુવતી એવા છે જેઓ સ્વબળે લગ્ન કરવા ઈચ્છુક છે. પરિવાર સ્વીકારશે કે કેમ તે પ્રશ્નથી ઉપર ઉઠીને તેઓ લગ્નના બંધનથી બંધાવવા મક્કમ છે.

આ સમૂહ લગ્નમાં કરિયાવરની વસ્તુઓની પણ લાંબી યાદી છે. દાતાઓ તરફથી આશરે ૯૧ જેટલી કરિયાવરની વસ્તુઓ દંપતીને ભેટ કરવામાં આવશે જેમાં રસોડામાં કુકર, વાસણનો ઘોડો, ચાની કીટલી, સ્ટીલની ટ્રે, લંચ-ડિનર સેટ, પૂરીનું મશીન, પાણીનો સ્ટીલનો જગ, ગેસ સ્ટવ, લાઈટર, લાકડાના પાટલી વેલણ, વેફર પાડવા માટે મશીન, ઢોકળિયું, સ્ટીલનું બેડું, ટિફિન, સ્ટીલની ડોલ, સ્ટીલના ડબ્બા, ઠંડા પાણીની સ્ટીલની બોટલ, બરણી, બેસવાનો પાટલો, ચા-ખાંડ મસાલાના ડબ્બા, નોનસ્ટિક લોઢી, ૬ તપેલી, ફ્રીઝ, ચીલી કટર, બ્લેન્ડર, ઇસ્ત્રી, મિક્સર, પંખો, મ્યુઝિક ડંકા વાળી દિવાલની ઘડિયાળ, બાથરૂમ સેટ મુખવાસદાની, સેટ સોય દોરાનો ડબ્બો, ૪ પ્લાસ્ટિકની ખુરશી, સુટકેસ, ટ્રોલી બેગ, કટલરી, બ્લેન્કેટ, ગરમ સાલ, સ્વેટર્સ, પાનેતર સાથે ૧૧ જાેડી સાડી બ્લાઉઝ, ડ્રેસ, પેટી પલંગ, ગાદલુ, ઓશીકા, ત્રિપોઈ, કબાટ સોનાની બુટ્ટી, નાકની ચુક, ચાંદીનું મંગલસૂત્ર, ચાંદીની પાયલ, ચાંદીના કંગન, વરરાજાની શેરવાની તથા મોજડી, અને પૂજાનો સેટ કરિયાવરમાં આપવામાં આવનાર છે. સાથોસાથ પરણનાર અંધ કન્યાઓને કાયમી અન્ય દાતા તરફથી કાયમી વસ્ત્રો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આમ, અનેક પારિવારીક, સામાજીક અને આર્થિક સંઘર્ષોમાંથી પસાર થયા બાદ હવે આ પ્રજ્ઞાચક્ષુઓ પતિ-પત્ની તરીકે સન્માનભેર જીવન જીવી શકે તે માટે આ પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જેમાં .યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થાના સભ્યો, સમાજશ્રેષ્ઠીઓ, દાતાઓ અને જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં જાેડાઈને નવપરીણિત યુગલને આશીર્વાદ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.