માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે તાપમાન માઈનસમાં નોંધાયું
નવી દિલ્હી, રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે પણ તાપમાન માઈનસમાં નોંધાયું છે, કડાકા સાથે પડતી ઠંડીના કારણે આજે સવારે પણ ખુલ્લી જગ્યામાં પડેલા વાહનો અને મેદાનમાં બરફ છવાયેલો જાેવા મળ્યો છે.
મહત્વનું છે કે અહીં સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન માઈનસમાં નોંધાયું છે. અહીં આવતા પ્રવાસીઓ પણ સવારમાં એક અલગ પ્રકારનું હવામાન જાેઈને રોમાંચિત થઈ રહ્યા છે. માઉન્ટ આબુમાં માઈનસ ડિગ્રીની હેટ્રીક વાગી ગઈ છે. આજે અહીં લઘુત્તમ તાપમાન માઈનસ ૪ ડિગ્રી નોંધાઈ છે. પાછલા ઘણાં સમયથી માઉન્ટ આબુમાં કડકડથી ઠંડી સાથે સવારના સમયે બરફ જામેલો જાેવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં હાડ થીજવનારી અને ધ્રૂજાવી દે તેવી ઠંડી પડતી હોય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનાઓ હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીમાં ઠંડીના એક પછી એક ચમકારા અનુભવાઈ રહ્યા છે. આવામાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની પણ અહીં અસર થઈ રહી છે. માઉન્ટ આબુમાં વાહનોના કાચ અને મેદાનો પર તથા નક્કી લેક પરની શિકારા બોટ પર બરફ જામેલો જાેવા મળ્યો છે.
માઉન્ટ આબુ આવેલા પ્રવાસીઓ સવારનું આવું દ્રશ્ય જાેઈને એક અલગ પ્રકારનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. માઉન્ટ આબુમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે અહીંના જનજીવન પર પણ અસર પડી રહી છે. ઠંડીનાના કારણે અહીંની દિનચર્યામાં મોડું થઈ રહ્યું છે.
બપોરના સમયે પણ અહીં લોકોને ઠંડી ધ્રૂજાવી રહી છે. અહીં આવનારા પ્રવાસીઓ ઠંડીને માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ખાસ કરીને ગુજરાતથી જનારા પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. આવામાં ઠંડીનું પ્રમાણ વધવાથી અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.
જેના કારણે હોટલ સહિતના રોજગાર સાથે સંકળાયેલા લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ઠંડીના કારણે અહીં પ્રવાસીઓ સવારે અને રાતના સમયે બહાર ફરવા નીકળે ત્યારે ગરમ દૂધ, ચા સહિતના પીણા પીને ગરમીની મોસમની મજા માણી રહ્યા છે.SS1MS