Western Times News

Gujarati News

થલતેજ અને શીલજમાં ૧૨૦ મીટરની ૩૨ માળની ઈમારત માટે મંજૂરી

એસજી હાઈવેની આસપાસ સૌથી ઉંચી ઇમારતો બનાવાશે-મકરબામાં ૪૧ માળની સૌથી ઉંચી બિલ્ડિંગ બનાવવાને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે 

(એજન્સી)અમદાવાદ, અમદાવાદનો વર્ટિકલ ગ્રોથ હવે ખરા અર્થમાં શરૂ થઈ ગયો છે તેમ કહી શકાય. મુંબઈ સહિતના મેટ્રોમાં જે પ્રકારની ગગનચુંબી ઈમારતો છે, તેવી જ ઈમારતો અમદાવાદમાં પણ આકાર લઈ રહી છે. અમદાવાદના મકરબા એરિયામાં ૪૧ માળની સૌથી ઉંચી બિલ્ડિંગ બનાવવાને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે જેની ઉંચાઈ ૧૪૫ મીટર હશે.

ગુજરાતમાં આ સૌથી ઉંચી ઈમારત હશે. અમદાવાદમાં આગામી મહિનાઓમાં જીય્ હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં આસમાનને આંબતી બિલ્ડિંગ બનાવવામાં આવશે. તેમાં એસજી હાઈવે ઉપરાંત બોડકદેવ, ગોતા અને સોલા વિસ્તારનો સમાવેશ થશે.

૨૯માળથી લઈને ૩૫ માળની ઇમારતો માટે સરકારની મંજૂરી મળી ગઈ છે. હાલમાં શહેરમાં ૧૦થી ૧૨ માળની અનેક ઈમારતો છે, પરંતુ વર્ટિકલ બિલ્ડિંગમાં રહેવાના ટ્રેન્ડના કારણે પોશ વિસ્તારોમાં હાઈ-રાઈઝ ટાવરને ઉત્તેજન મળશે. મકરબામાં ૪૧ માળની ૧૪૫ મીટર ઉંચી ઈમારતને મંજૂરી આપવા માટે પ્રક્રિયા ચાલુ છે.

અગાઉ સાયન્સ સિટી રોડ, થલતેજ-શીલજમાં પણ હાઈ-રાઈઝને મંજૂરી આપવામાં આવી છે. કોરોના પછી રિયલ એસ્ટેટ સેક્ટરમાં વેગ આવી રહ્યો છે અને તેમાં એફોર્ડેબલ હાઉસિંગની સાથે સાથે પ્રીમિયમ પ્રોપર્ટીની માંગ પણ વધી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ૭૦ મીટર સુધીની ઉંચાઈ ધરાવતી બિલ્ડિંગને પરમિશન આપવાનો અધિકાર છે.

બિલ્ડિંગની ઉંચાઈ તેના કરતા વધારે હોય તો રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે છે. સરકારે તાજેતરમાં આઠ વર્ટિકલ મેગા પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જ્યારે બે પ્રોજેક્ટ માટે કામકાજ ચાલી રહ્યું છે. તેના કારણે અમદાવાદમાં હવે ૧૦૮ મીટરથી લઈને ૧૪૫ મીટર સુધીની ઈમારતો બને તે દિવસો દૂર નથી.

આગામી દિવસોમાં સુરત સહિતના સમૃદ્ધ શહેરોમાં પણ ગગનચુંબી બિલ્ડિંગને મંજૂરી મળી શકે છે. તાજેતરમાં જે મંજૂરીઓ આપવામાં આવી તેમાંથી મોટા ભાગની પરમિશન છેલ્લા છ મહિનામાં અપાઈ છે. બોડકદેવમાં ૧૧૮ મીટર ઉંચી ઈમારતને મંજૂરી અપાઈ છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૨૯ માળ હશે.

બોડકદેવમાં ૧૩૮ મીટરની એક બિલ્ડિંગને મંજૂરી મળી છે જેમાં ૩૫ માળ હશે. આ ઉપરાંત ગોતામાં ૩૨ માળ અને ૩૫-૨૫ માળના બે ટાવરને એક જ સ્કીમમાં પરમિશન મળી છે. થલતેજ અને શીલજ રોડના એરિયામાં ૧૨૦ મીટરની ૩૨ માળની ઈમારત માટે મંજૂરી મળી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૩૦ માળથી વધારે ઉંચી બિલ્ડિંગમાં રહેવાનો ટ્રેન્ડ શરૂ થયા પછી આવી વધુ ઈમારતો બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.