Western Times News

Gujarati News

રાજસ્થાન ભીલવાડાના દર્દીએ ગુજરાતના ચાર જરૂરિયાત મંદોને અંગદાન કરી નવજીવન બક્ષ્યું

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન-૩૫ વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : બે કિડની,લીવર અને હ્રદયનું દાન મળ્યું

સિવિલમાં બે વર્ષમાં ૧૦૧ અંગદાતાઓ દ્વારા મળેલ ૩૨૫ અંગોથી ૩૦૧ જરુરીયાતમંદોને નવજીવન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય  કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજરોજ ૧૦૧ મું અંગદાન થયું છે.

રાજસ્થાન ભીલવાડાના ૩૫ વર્ષીય ભંવરલાલ ખટીકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

બ્રેઇનડેડ જાહેર થતાં અમદાવાદ સિવિલની SOTTOની ટીમે તેના સ્વજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ જનકલ્યાણને સર્વોપરી રાખીને ભંવરલાલ ના અંગોના દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

બ્રેઇનડેડ  ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.

હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે કિડની અને લીવરને સિવિલ મેડીસીટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટે ૧૦૧ માં અંગદાન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર,સમાજ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ, દિલિપભાઈ દેશમુખ જેવા સેવાભાવી લોકો અને મીડિયાની જનજાગૃતિના પ્રયાસોથી મળેલા સહકારના પરિણામે જ  હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે.

આ બે વર્ષમાં ૧૦૧ અંગદાતાઓ દ્વારા મળેલ ૩૨૫ અંગોથી ૩૦૧ જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.