માણાવદર ઉમિયા મહિલા મંડળ દ્વારા ધારાસભ્યનું ભવ્ય સન્માન કરાયું
(પ્રતિનિધિ) માણાવદર, માણાવદર નજીક આવેલ અને અતિ પ્રાચીન એવા હડમતાળી હનુમાનજી મંદિરના પ્રાકૃતિક વનસ્પતિજન્ય વિશાળ મંદિર પરિસરમાં માણાવદરમાં કાર્યરત સમાજસેવી ઉમિયા મહિલા મંડળ દ્વારા અહીંના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું હનુમાનજી દાદાના સાનિધ્યમાં ખાસ પ્રસંગ ઊભો કરી અતિભવ્ય સ્વાગત સન્માન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય લાડાણી ચૂંટાઈ આવ્યા પછી બીજા દિવસે લોકો વચ્ચે જઈ તેમના જુના પ્રશ્નોને સાંભળી તેનો ઉકેલ લાવવા મેંદરડા, વંથલી અને માણાવદર એમ ત્રણ તાલુકાના લોકોમાં એક વિકાસ પુરુષ તરીકે ધારાસભ્યની છાપ ઊભી થયેલી જાેવા મળી રહી છે. આવા હેતુ સબ માણાવદર સ્થિત ઉમિયા મહિલા મંડળની બહેનોએ ધારાસભ્યની કામગીરીથી પ્રેરાઈને તેમને સન્માનિત અને જાહેર બહુમાન કર્યું હતું.
આ તકે ધારાસભ્યએ જણાવ્યું હતું કે પર્વતમાન સમયમાં પ્રત્યેક શહેરની દશા- અદશામાં રૂપાંતરિત થઈ રહી છે તેમાં માણાવદરની સ્થિતિ અતિ ભયંકર છે. નગરપાલિકા દ્વારા કોઈ કામકાજ થતા નથી હું આ અંગેની વિસ્તૃત માહિતી મેળવી લોકોના પ્રશ્નો હલ કરવા પૂરા પ્રયાસો કરીશ અને લોકોને સમસ્યા મુક્ત કરીશ હું ધારાસભ્ય પછી પ્રથમ આમ જનતાનો સેવક છું. પદ, હોદ્દો કે અધિકાર કાયમ રહેતા નથી લોકોએ મારા ઉપર મુકેલા વિશ્વાસને હું ફળીભૂત કરી હંમેશા લોકોની વચ્ચે જ રહીશ.
આ સન્માન સમારંભમાં ઉમિયા મહિલા મંડળની તમામ બહેનો તથા ધારાસભ્ય અરવિંદ લાડાણી, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી, સંદીપભાઈ મારડિયા, દર્શન હોસ્પિટલ વાળા બીપીનભાઈ બોરસાણીયા, યોગેશભાઈ પરસાણીયા, નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર, મેહુલભાઈ માણાવદરિયા, પરેશભાઈ બકોરી, ડી.કે વૈષ્ણનાણી, મનસુખભાઈ આદેશણા વગેરે હાજર રહ્યા હતા