પાલિકા પ્રમુખને ગાંધી નિર્વાણ દિને વિપક્ષે કાળુ ગુલાબ આપ્યું
વીજ બિલ નહિ ભરતા ૩ દિવસથી શહેરની ૩૦૦૦ થી વધુ લાઈટો બંધ
(પ્રતિનિધિ) ભરૂચ, છેલ્લા ૩ દિવસથી ૩૦૦૦ થી વધુ સ્ટ્રીટલાઈટોના જાેડાણો કપાતા ભરૂચ શહેરની પ્રજા અંધારા ઉલેચી રહી છે ત્યારે સોમવારે પાલિકા ખુલતા જ વિપક્ષના સભ્યોએ ગાંધી નિર્વાણ દિવસે પાલિકા પ્રમુખને કાળું ગુલાબ આપી શહેરીજનોને અંધારાની ભેટ આપવા બદલ અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા વીજ કંપનીના અંદાજીત ૬ કરોડ ઉપરાંતનું વીજ બિલની ભરપાઈ નહિ કરતા વીજ કંપની દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં નહિ ભરપાઈ કરાતા સ્ટ્રીટ લાઈટના વીજ જાેડાણ કાપી નાખવામાં આવતા શહેરમાં અંધારપટ ફેલાયો હતો.
જેના પગલે ભરૂચ પાલિકા ખાતે વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે આક્ષેપ કર્યો હતો કે વિધાનસભાની તમામ પાંચ બેઠક જીતી ભાજપની ડબલ એન્જીન સરકારે ભરૂચની પ્રજાને બ્લેક આઉટની ભેટ આપી છે.ભાજપનો વહીવટ ખાડે ગયો છે.વીજ કંપનીનું અંદાજીત ૬ કરોડ ઉપરાંતનું બિલ નહિ ભરપાઈ કરતા ૮૦ મીટર ઉપર આવેલી ૩૦૦૦ થી વધુ સ્ટ્રીટ લાઈટ વીજ કંપનીએ કાપી નાખી છે.ત્યારે આજે પાલિકા પ્રમુખને પ્રજા વતી બ્લેક આઉટમાં રાખવા બદલ કાળા ગુલાબ આપી ગાંધીગીરી કરી અરીસો બતાવવાનો પ્રયાસ કરવા સાથે શહેરના મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઈટો ૩ દિવસથી બંધ રહેતા લગ્નસરામાં પ્રજા અંધારા ઉલેચી રહી છે.ચોરી,અકસ્માત,શ્વાન કરડવા સહિતની દહેશત વર્તાય રહી છે.આજે સોમવારે પાલિકા ખુલતા મુખ્ય અધિકારી પણ ગેરહાજર હોવાથી વિરોધ પક્ષે રોષ વ્યકત કર્યો હતો.
તો બીજી તરફ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વિપક્ષ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે.આ ટેક્નિકલ ઈસ્યુના કારણે થયું છે.શરત ચૂક કરનાર પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી થશે. આજે સાંજે કે કાલ સુધીમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ જશે.અમે વીજ કંપનીમાં ૧૫ લાખ ભરી દીધા છે.ત્રણ દિવસ રજાઓ આવી જતા આ સ્થિતિ ઉદભવી છે.એક કરોડ જેટલું જ બિલ બાકી છે.જે અંગે કાર્યવાહી થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પાલિકા દ્વારા વીજ કંપની નું બાકી પડતું વીજ બિલના પગલે હાલ શહેરીવાસીઓ અંધારપટ ભોગવી રહ્યા છે તો સમયસર વીજ નાણાં ની ભરપાઈ નહિ કરવામાં આવે તો આવનાર દિવસમાં શહેરીવાસીઓને તરસ્યા પણ રહેવાનો વારો આવી શકે છે.ત્યારે પાલિકા દ્વારા સમયસર વીજ નાણાં ની ભરપાઈ કરી શહેરીવાસીઓને સુવિધા પૂરી પાડે તે જરૂરી છે.