રીક્ષા માટેે મીટર ફીટનેસ સર્ટીફિકેટ ફરજીયાત કરાયું
અમદાવાદ, રાજ્યભરમાં દોડી રહેલાં કોમર્શિયલ વાહનો માટે સમયાંતરે આરટીઓ દ્વારા આપવામાં આવતાં ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે ત્યારે રિક્ષા માટે પણ નિયત સમય મર્યાદામાં આરટીઓમાંથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે, પરંતુ તે પહેલાં ઓટોરિક્ષાના ફિટનેસ માટે આરટીઓમાં જતાં પહેલાં રિક્ષા માલિકોએ તોલમાપ વિભાગ પાસે તેમનાં મીટરનું ફિટનેસ ચેકિંગ કરાવી તેનું સર્ટિફિકેટ આરટીઓમાં રજૂ કરવું પડશે. આ સર્ટિફિકેટ અને મીટરના નંબરની એન્ટ્રીની આરટીઓમાં ફરજિયાત ઓનલાઇન નોંધ કરાવ્યા બાદ રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકાશે.
અમદાવાદ શહેરમાં અંદાજે બે લાખ ઓટોરિક્ષા દોડી રહી છે. આ ઓટોરિક્ષામાં બે પ્રકારનાં મીટર હોય છે, મિકેનિકલ મીટર અને ઇલેક્ટ્રિક મીટર. ઓટોરિક્ષાના માલિકે નવી રિક્ષા લીધા બાદ બે વર્ષ પછી દર વર્ષે તેનું ફિટનેસ ચેકિંગ કરાવવું પડે છે, પરંતુ ઓટોરિક્ષાનું ફિટનેસ કરાવતાં પહેલાં જ મીટર જમ્પ તો થતું નથી ને અને મીટર આંકડા બરાબર દર્શાવે છે કે કેમ તેની ખરાઈ કરવા સરકારે મીટર ચેક કરાવી તેનું સર્ટિફિકેટ ફરજિયાત આરટીઓમાં અપડેટ કરાવવા પરિપત્ર કર્યો છે.ઈલેક્ટ્રિક મીટર અને મિકેનિકલ મીટરમાં તફાવત રહે છે. ઇલેક્ટ્રિક મીટરમાં સરકારી સીલ આવતું હોય છે, તે ચેક કરીને સર્ટિફિકેટ આપવામાં આવે છે.
ઇલેક્ટ્રિક મીટર કંપની દ્વારા સેટ થઈ શકે છે, તેને અન્ય કોઈ સેટ કરી શકતું નથી, જ્યારે મિકેનિકલ મીટરમાં દાંતા હોય છે, જે ઘસાતા હોય છે અને તેમાંના આંકડા જમ્પ પણ થઈ શકે છે. ઓટોરિક્ષા માલિકે જાતે મીટરનું ચેકિંગ કરાવી તેનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે, જાેકે રાજ્ય સરકારના પરિપત્રનો રિક્ષા યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સરકારના આ નવા નિયમોના પગલે રિક્ષા યુનિયનો દ્વારા તેનો વિરોધ કરીને વિવિધ માગણી કરવામાં આવી છે. મીટરની ચકાસણી માટે પ્રોપર સંસ્થાઓ ઊભી કરાય નહીં ત્યાં સુધી આ મીટર સાથે ફિટનેસ ચેકિંગ થાય તેવી પણ માગણી ઊઠી છે