પત્ની અનુષ્કા સાથે વડાપ્રધાન મોદીના ગુરુના આશ્રમ પહોંચ્યો વિરાટ કોહલી
ઋષિકેશ, ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સતત મંદિર અને આશ્રમની મુલાકાત લઈ રહ્યો છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણી પહેલા તે વૃંદાવન ગયો હતો.
આ પહેલા વિરાટ તેની પત્ની સાથે નૈનીતાલના એક મંદિરમાં પણ ગયો હતો. હવે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા પત્ની અનુષ્કા સાથે ઋષિકેશ પહોંચી ગયો છે. ત્યાં બંનેએ પીએમ નરેન્દ્ર મોદીના ગુરુના આશ્રમની મુલાકાત લીધી.
ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટી૨૦ સીરીઝ રમી રહી છે. વિરાટ કોહલીને આમાંથી બ્રેક આપવામાં આવ્યો છે. તેનો ફાયદો ઉઠાવીને તે ઋષિકેશના દયાનંદ ગિરી આશ્રમ પહોંચી ગયો છે. અહીં તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ છે.
સ્વામી દયાનંદ ગિરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ગુરુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ અને અનુષ્કા અહીં ધાર્મિક અનુષ્ઠાન માટે પહોંચ્યા છે.
વિરાટ કોહલીએ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. અહેવાલો અનુસાર, આશ્રમના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે અહીં પહોંચ્યા બાદ તેમણે બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિના પણ દર્શન કર્યા. બંનેએ ત્યાં લગભગ ૨૦ મિનિટ સુધી મેડિટેશન કર્યું, તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વિરાટ મંગળવારે સાંજ સુધી ત્યાં રોકાઈ શકે છે. પતિ-પત્ની ત્યાં ભંડારાનું પણ આયોજન કરવાના છે.
વિરાટ કોહલીએ વનડે અને ટી૨૦માં સારી બેટિંગ કરી છે પરંતુ ટેસ્ટમાં તેનું બેટ શાંત છે. નવેમ્બર ૨૦૧૯ પછી તે ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી. તેના બેટે ૨૦૨૦માં ૩ ટેસ્ટમાં ૧૧૬, ૨૦૨૧માં ૧૧ ટેસ્ટમાં ૫૩૬ અને ૨૦૨૨માં ૬ ટેસ્ટમાં ૨૬૫ રન બનાવ્યા હતા.
આ દરમિયાન તેની એવરેજ ૨૬ની આસપાસ હતી. ટેસ્ટમાં તેની એકંદર એવરેજ ૫૪ પર પહોંચી ગઈ હતી, જે હવે ૪૮.૯૦ છે. ઓસ્ટ્રેલિયા સામે ૯ ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં ટીમને વિરાટ પાસેથી ઘણી આશાઓ રાખવામાં આવી રહી છે.SS1MS