પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં શ્રીમદ દેવી ભાગવત કથા ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન
સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ૫૧ શક્તિપીઠો પૈકી ચંદ્રભાગા શક્તિપીઠ આવેલી છે. સોમનાથ તીર્થમાં માતા શક્તિની આરાધના માતા શક્તિની સાથે જગતના નાથ સોમનાથ મહાદેવને પણ પ્રસન્ન કરનારી કહેવામાં આવી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ અને શક્તિના આરાધના સંગમ સમાન શ્રીમદ દેવી ભાગવત કથા સોમનાથ મંદિર પરિસરમાં આવેલ વાઘેશ્વરી મંદિરના પટાંગણમાં યોજવામાં આવી હતી. અમદાવાદના સુપ્રસિદ્ધ કથાકાર પ્રજ્ઞાચક્ષુ ડૉ.કૃણાલભાઈ જાેશીના વ્યાસાસને આ ભવ્ય કથા સંપન્ન થઈ હતી.
નવ દિવસ સુધી શાસ્ત્રોકત સંદર્ભ સાથે શ્રોતાઓને દેવી ભાગવતના મહાત્મ્યનો અમૃતસાર સાંભળવા મળ્યો હતો. સાથે જ પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ કૃણાલભાઈ જાેશીએ પોતાના મધુર કંઠે વાદ્યો સાથે સંગીતમય પ્રસ્તુતિથી શ્રીમદ દેવી ભાગવત કથાનો સાર મનોરમ્ય અને સરળ રીતે ગ્રહણ કરી શકાય તે રીતે જ્ઞાન આપ્યું હતું. કથાની પૂર્ણાહુતિ સમયે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયભાઈ દુબે, કથાના મુખ્ય યજમાન શ્રી દાસભાઈ ગજેરા, સહિત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી માત્રામાં પોથી યજમાનો અને ભક્તો પૂજનમાં જાેડાયા હતા. કથા પૂર્ણહુતિ બાદ તમામ પોથીની પુનઃ સોમનાથ મંદિર સુધી ધર્મ યાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર તીર્થને દેવી ભાગવતના ભક્તિમય વાતાવરણનો પુનઃ લાભ મળ્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કથાના વક્તા પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ. કૃણાલભાઈ જાેશીને સન્માન પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કથામાં પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માટે તેમની સાથે જાેડાયેલ કલાવૃંદને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ. આ રીતે દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં અને માતા વાઘેશ્વરીની નીશ્રામાં પવિત્ર વાતાવરણમાં ભક્તિ ઉત્સવ સમાન શ્રીમદ દેવી ભાગવત કથાનું સમાપન કરાયું હતું. આ કથા ને ઓનલાઈન અને સાપેક્ષ માધ્યમ પર જન સમુદાયનો અપાર પ્રેમ મળ્યો હતો.