અવંતીપોરામાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશઃ ૪ આતંકવાદી ઝડપાયા
(એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના આતંકી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. અવંતીપોરાના હાફૂ નવીપોરા જંગલોની પાસેથી સુરક્ષા બળોએ લશ્કર સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીઓનને આતંકીઓના ઠેકાણા પરથી કેટલીક શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી છે. આ મામલે આગળ તપાસ થઈ રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટિ્વટ કરીને આ વાતની માહિતી આપી છે. એક ખાસ સૂચના પર પોલીસે સેના અને સીઆરપીએફની સાથે હાફૂ નગીનપુરાના જંગલોમાં એક ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલાં ઠેકાણાનો પર્દાફાશ થયો હતો અને બાદમાં તેને નષ્ટ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઠેકાણા પરથી કેટલીક શંકાસ્પદ સામગ્રી, હથિયારો અને અન્ય ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે. આ સંબંધે ત્રાલ પોલીસ સ્ટેશનમાં કાયદાકીય કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન હજુ સુધી આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓ આ વિસ્તારમાં સક્રિય લશ્કરના આતંકવાદીઓનો સહાયતા કરવામાં સામેલ હતા. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી હોવાની આશા છે. તો આ પહેલાં કાશ્મીર ઝોન એડીજીપી જય કુમારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં કાશ્મીરમાં ૯૩ અભિયાન ચલાવવામાં આવ્યા હતા અને ૧૭૨ આતંકીઓને ઠાર મારવામાં હતા. જેમાં લશ્કર, જૈશ, હિઝબુલ, અલ બદ્ર અને ધ રેજિસ્ટન્સ ફોર્સના આતંકીઓ સામેલ હતા. તો તાજેતરમાં રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા જમ્મુમાં પહોંચે એ પહેલાં ચોવીસ કલાકમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. જે બાદ સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધુ હતુ અને પછી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોવીસ જ કલાકમાં ત્રણ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.