પેટલાદમાં દબાણો હટાવવાનો બીજાે તબક્કો શરૂ
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો હટાવવાની કામગીરી ગત દિવસોમાં પાલિકા દ્ધારા કરવામાં આવી હતી. ત્યારબાદ પેટલાદ શહેર પાસેથી ખંભાત – નડીયાદ રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. જ્યાં દાવલપુરા પાટીયાથી જીઆઈડીસી સુધીના હાઈ-વે પૈકીના દબાણો ગતરોજ માર્ગ મકાન વિભાગ દ્ધારા હટાવવામાં આવ્યા હતા. જાે કે માર્ગ મકાન વિભાગ દ્ધારા સાંઈનાથ ચોકડીથી બગીવાળા સુધી દબાણો દૂર કરાવી કામ કર્યાનો સંતોષ માની લીધો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરથી લારી, ગલ્લા, કેબીનો, પાથરણા, શેડ વગેરે જેવા દબાણો દૂર કરવાની કામગીરી પાલિકાએ કરી હતી. જેને લઈ લારી, ગલ્લા વાળાઓમાં ભારે ઉચાટ જાેવા મળતો હતો. જાે કે હજી સુધી લારી, ગલ્લા, કેબીનો, પાથરણા વાળાને કોઈ જ વૈકલ્પિક જગ્યા પાલિકા દ્ધારા ફાળવવામાં આવી નથી. ઉપરાંત મુખ્ય રાજમાર્ગો ઉપર લારી ગલ્લા વાળાને ઉભા રહેવા દેવામાં આવતા નથી. જેને કારણે અનેક ગરીબ પરિવારો રોજગારીથી વંચિત થયા હોવાનું જાણવા મળે છે. જાે કે મુખ્ય રાજમાર્ગ ઉપર ખાણી પીણીની અનેક લારી ગલ્લા પુનઃ પ્રસ્થાપિત થઈ ગયા હોવાનું જાેવા મળે છે.
જેનાથી પાલિકાની કોઈ સ્પષ્ટ નિતીરીતી નહિ દેખાતા બેધારી કામગીરી હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. તેવામાં કેટલાક લારી, ગલ્લા, કેબીનો વાળા સાંઈનાથ ચોકડીથી કોલેજ ચોકડીની આસપાસ ગોઠવાઈ ગયા હતા. પરંતુ ગણતરીના દિવસોમાં જ માર્ગ મકાન વિભાગ દ્ધારા આવા દબાણકારોને નોટીસો ફટકારી હતી. પેટલાદના દાવલપુરાથી જીઆઈડીસી સુધીના હાઈ-વે પૈકી મધ્યથી બાર મીટર ડાબી જમણી બાજુ ખડકાયેલા તમામ દબાણકારોને સ્વૈચ્છિક ખસી જવા જણાવ્યું હતું. છેવટે ગતરોજ માર્ગ મકાન વિભાગની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે દબાણકારો ઉપર ત્રાટકી હતી.
દાવલપુરા પાટીયાથી સાંઈનાથ ચોકડી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત બગીવાળાથી કોલેજ ચોકડી થઈ જીઆઈડીસી સુધીના હાઈ-વે પૈકીના કેટલાય દબાણકારો સ્વૈચ્છિક રીતે દૂર થઈ ગયા છે. જાે કે એક જ દિવસ ચાલેલી કામગીરી સંદર્ભે લારી ગલ્લા વાળાઓમાં અનેક પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા હોવાનું જાણવા મળે છે. જાેવાનુ એ રહેશે કે આગામી દિવસોમાં દબાણો દૂર કરવાની કામગીરી વેગ પકડે છે કે લારી, ગલ્લા પુનઃ યથાવત સ્થિતીમાં આવે છે ?