Western Times News

Gujarati News

રાયખડમાં ટ્રાફિક કોન્સ્ટેબલ પર બાઈક ચડાવી દઈ હુમલો

ચાલકની ધરપકડ-માનસિક અસ્વસ્થ બાઈકચાલકે લોકઅપમાં ભારે બુમાબુમ કરી મુકી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના રાયખડ વિસ્તારમાં ચાર રસ્તા પાસે ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર બાઈક ચડાવી દઈ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પોલીસે આ અંગે બાઈક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી મુજબ આ અંગેની વિગત એવી છે કે શહેર ટ્રાફિક શાખાના ઈ-ડીવીઝનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ મૂળચંદ મીણા ગઈકાલે બપોરના સુમારે પોતાની ફરજ પર રાયખડ ચાર રસ્તા પર હાજર હતા.
ત્યારે એ દરમ્યાન સિગ્નલ બંધ હોવા છતાં એક બાઈક ચાલક પુરઝડપે રોડ સાઈડમાંથી ઘુસીને ચાર રસ્તા પસાર કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે ફરજ પરના કોસ્ટેબલ દિવ્યાંગ મીણાએ તેને રોક્યો હતો. પરંતુ બાઈક ચાલકે વાહન ઉભુ રાખ્યા વિના ફરજ પરના કોન્સ્ટેબલ પર બાઈક ચડાવી દીધું હતુ. અને ત્યારબાદ કોન્સ્ટેબલ પર હુમલાના પણ પ્રયાસ કર્યો હતો.

રાયખડ ચારરસ્તા પાસે ટ્રાફિક ચાલકના જવાન પર આ અંગે હુમલો કરવાનો પ્રયાસ કરાતા લોકોના ટોળા ભેગા થઈગયા હતા. અને આજુબાજુમાં ફરજ પર હાજર પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે નાસી છૂટવાનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી લઈ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં લોકઅપ ભેગો કર્યો હતો.

પોલીસ આ શખ્સની કડક પૂછપરછ કરતાં તે કારંજ વિસ્તારમાં એડવાન્સ સિનેમા સામે આવેલા જામસાહેબન્ી ગલીમાં રહેતો હોવાનું અને તેનું નામ અબુતલા મોહસિન મનસુરી હોવાનું જાણવા મળે છે. પકડાયેલા શખ્સ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યુ હતુ.

આ શખ્સે દવા સમયસર લીધી નહોવાથી તેની માનસિક સ્થિતિ વધુ બગડી હતી.  લોકઅપમાં રખાયેલા અબુતલા મનસુરીએ માનસિક અસ્વસ્થતાના કારણે લોકઅપમાં બુમાબુમ કરી મુકી હતી. ગાયકવાડ હવેલી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આ ઘટનામાં પોલીસ કોન્સટેબલ દિવ્યાંગ મીણાને ડાબા હાથની આંગળી પર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.