તમારાં સગીર બાળકનું બચત ખાતું ક્યારે ખોલાવશો ?
ખાસ કરીને સગીર વયનાં બાળકો માટે અનેક પ્રકારનાં સેવિંગ્ઝ એકાઉન્ટ્સ ઉપલબ્ધ છે. માતા-પિતા તેમના સગીર સંતાનની વર્તમાન તથા ભાવિ જરૂરિયાતને સંતોષવા માટે આવા એકાઉન્ટ્સમાંથી યોગ્ય પસંદગી કરી શકે છે
સેવિંગ્ઝ એકાઉન્ટ એટલે કે બચત ખાતું નાણાકીય પ્રવાસનું પહેલું પગથિયું છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કમાવાનું શરૂ કરે ત્યારે જ બચત ખાતું ખોલાવે છે. પરંતુ હવે ઘણા માતાપિતા તેમના સગીર સંતાનો માટે બચત ખાતું ખોલાવી રહ્યા છે અને તેમને માટેના નાણાંનું વ્યવસ્થાન કરી રહ્યા છે. નાણાશાસ્ત્ર શીખવાથી દરેકને ફાયદો થઈ શકે છે. અને એ શીખવાનો ઉત્તમ માર્ગ બચત ખાતું છે ખાસ કરીને સગીરો માટે હવે ઘણા પ્રકારના બચત ખાતા ઉપલબ્ધ છે. માતા પિતા તેમના સગીર સંતાનોની વર્તમાન તથા ભાવિ જરૂરિયાતોને સંતોષવા માટે આવા ખાતાઓમાંથી પસંદગી કરી શકે છે.
નાણાકીય વિશ્વનું પ્રવેશદ્વાર ઃ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય, વીમો લેવાનો હોય, શેર બજાર હોય, નાની બચત યોજના હોય, ઓનલાઈન શોપિંગ માટે નાણાં ખર્ચવાના હોય કે ડેબિટ કાર્ડ મારફત પેમેન્ટ કરવાનંુ હોય, આ બધા વ્યવહારો માટે બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે. તેથી બચત ખાતું નાણાકીય વિશ્વનું પ્રવેશદ્વાર છે. નાનપણથી જ પોતાના બચત ખાતાના વહીવટ કરતા શીખીને સગીરો આવા ખાતાઓ દ્વારા આપવામાં આવતી સુવિધાઓને સમજી શકે છે તથા મોટા થયા પછી તેમનો ઉપયોગ કરી શકે છે. બેન્કબાઝારડોટકોમના સીઈઓ અધિલ શેટ્ટી કહે છે કે મોટાભાગના લોકો તેમની નાણાકીય યાત્રા બચત ખાતાથી જ શરૂ કરે છે. આ પ્રોડકટ બાળકોને બચતનું તથા નાણાંની સારસંભાળનંુ મહત્વ સમજાવવાની સુંદરરીત છે.
તે જીવનાવશ્યક કૌશલ્ય છે અને તેમને તેમના નાણાના સમજદારીભર્યા વ્યવસ્થાપનમાં મદદ કરે. બાળક અને નાણાંની સારસંભાળ ઃ બચત ખાતું સગીર ખાતાધારકોને તેમના નાણાંનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરતા શીખવાડે છે તે ખાતા મારફત કરવામાં આવેલા તમામ વ્યવહારો નોંધ થાય છે અને બાદમાં એકાઉન્ટ સ્ટેટમેન્ટ મારફત તે જાણી શકાય છે. પોતાના ખર્ચનું બજેટ કેવી રીતે બનાવવું તે વધુ સારી રીતે સમજવામાં સગીર ખાતાધારકો તેમના એકાઉન્ટ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકે છે.
બચતની આદત ઃ બચત ખાતું પૈસા જમા કરાવવાનો જ નહી, પરંતુ આકર્ષક વ્યાજ મેળવવાનો પણ ઉત્તમ વિકલ્પ છે. ખાતા ધારકો તેમના બચત ખાતામાંના વધારાના ભંડોળમાંથી ફિકસ્ડ ડિપોઝીટ કરાવીને વધુ વ્યાજ મેળવી શકે છે. સગીર બાળકો તેમના બચત ખાતાનો વહીવટ કરતા હોય ત્યારે તેઓ તેમની બચત કઈ રીતે વધી રહી છે તે જાણી શકે છે. તેથી તેમને વધારે બચત કરવા માટે પ્રેરણા પણ મળી શકે છે.
બાળકના ખાતા પર માતા-પિતાની નજર ઃ ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને સગીર ગણવામાં આવે છે જાેકે બેન્કો સગીરો માટેના બચત ખાતાને બે શ્રેણીમાં વર્ગીકૃત કરે છે. તેમાં ૧૦ વર્ષથી ઓછી વયના બાળકો માટેના અને ૧૦થી ૧૮ વર્ષની વયના બાળકો માટેના એકાઉન્ટનો સમાવેશ થાય છે. ૧૦ વર્ષથી ઓછી વયના બાળકો માટેના ખાતાનું સંચાલન સગીર તથા તેના માતા-પિતા કે વાલી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે.
માતાપિતા સગીર સંતાનોના ખર્ચને નિયંત્રિત કરી શકે છે એન સગીર સંતાનો તેમનું બચત ખાતું ઓપરેટ કરી શકે એટલા માટે તેમના એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસીને માર્ગદર્શન આપી શકે છે. એકાઉન્ટમાં થતા વ્યવહારોથી માહિતગાર રહેવા માટે માતાપિતા તેમના મોબાઈલ નંબર ઓટીપી તથા ટ્રાન્ઝેકશન એલર્ટ મેળવવા માટે બેન્કને આપી શકે છે.
નાણાકીય શિસ્ત ઃ બચત ખાતું ખોલાવવાની સાથે ચેક બુક, ડેબિટ કાર્ડ અને ઓનલાઈન બેન્કિંગની સુવિધા મળે છે અલબત્ત, ખાતાસંબંધી ચોકકસ વ્યવહારો તથા સેવાઓ માટે બેન્કો ચાર્જ વસુલતી હોય છે પોતાનું બચત ખાતું ચલાવીને સગીરો મિનિમમ એકાઉન્ટ બેલેન્સ, ચેકબુક ચાર્જિસ વગેરે જેવી એકાઉન્ટ સંબંધી જરૂરિયાતોથી પરિચિત થઈ શકે છે એ જાણવાથી તેઓ તેમના એકાઉન્ટને વધુ સારી રીતે સંચાલિત કરી શકે છે અને વધારે નાણાં બચાવી શકે છે.
માતા-પિતા દ્વારા બાળકો માટે રોકાણ ઃ સગીરના બચત ખાતામાં માતા પિતા તેમના સંતાન માટે રોકાણ કરી શકે છે તેનાથી માતા પિતાને તેમના સંતાન માટે અલગ ભંડોળ તારવીને તેના રોકાણનું વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ મળે છે સગીરનું બચત ખાતું ખોલાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ઃ સગીર બાળકનું ખાતું ખોલાવતા પહેલાં તેને સલામત બેન્કિંગ વ્યવહાર વિશે શિક્ષિત કરવું જાેઈએ. ખાતાનું સંયુક્ત રીતે સંચાલન કરતા માતા-પિતા કે વાલીઓએ પણ ચોકકસ બાબતો વિશે સાવધ રહેવું જાેઈએ. તેમાં સગીર બાળકને બદલે પોતાનો મોબાઈલ નંબર બેન્કમાં રજિસ્ટર્ડ કરાવવાનો સમાવેશ થાય છે.
આમ કરવાથી તેઓ ખાતામાં થતી ગતિવિધિ પર નજર રાખી શકે છે. સગીર સંતાન પુખ્ત વયનું થઈ જાય પછી સગીર બેન્ક એકાઉન્ટને રેગ્યુલર સેવિંગ્ઝ એકાઉન્ટમાં પરિવર્તિત કરી શકાય છે એમ કરવા માટે ઉંમરનો પુરાવો, ઓળખ પત્ર, પાન કાર્ડ, ફોટોગ્રાફસ જેવા ચોકકસ દસ્તાવેજાે જરૂરી છે. સગીર સંતાનનું ખાતું ખોલાવતા પહેલાં નાણાકીય વ્યવહારો સંબંધી નિયંત્રણો, મિનિમમ બેલેન્સની જરૂરિયાત, સલામતીની સુવિધા વગેરે જેવી એકાઉન્ટની વિશેષતાઓ તથા શુલ્ક વિશેની જાણકારી મેળવી લેવી આવશ્યક છે.