જાન્યુઆરીમાં લાયસન્સ વિના ચાલતી 3200 થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ
અત્યાર સુધીમાં 1247 દુકાનો સીલ કરાઇ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. જાન્યુઆરી મહિનામાં DLSA (ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી) દ્વારા રાજ્યમાં નગરપાલિકા – મહાનગરપાલિકા વિસ્તારની 4300 થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો.
જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200 થી વધુ દુકાનો ધ્યાને આવતા દુકાનદારો વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં લાયસન્સ વગરની જણાઈ આવેલી 1247 દુકાનોને સીલ કરવામાં આવી છે. જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓની 813 જ્યારે નગરપાલિકાઓની 434 જેટલી દુકાનોનો સમાવેશ થાય છે.
રાજ્યના કોઇપણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા ન થાય તમામને આરોગ્યપ્રદ આહાર-ભોજન મળી રહે તે દિશામાં સરકાર હંમેશાથી પ્રયત્નશીલ રહી છે.
આ સમગ્ર કામગીરી શહેરી વિકાસ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, જી.પી.સી.બી. દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.