માતર તાલુકાના પરીએજ ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરાઈ
સમગ્ર ભારતમાં સારસ પક્ષી ગુજરાતના ખેડા જિલ્લામાં વધુ પ્રમાણમાં છે, તે ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે.:- કલેક્ટર કે.એલ.બચાણી
પ્રતિનિધિ) નડિયાદ, ૨ ફેબ્રુઆરી – વર્લ્ડ વેટલેન્ડ ડે અંતર્ગત ખેડા જિલ્લાના માતર તાલુકાના પરીએજ સરોવર ખાતે ભારતનો પ્રથમ સારસ ક્રેન ફેસ્ટીવલ કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ફેસ્ટીવલ અંતર્ગત કલેક્ટર એ યુ.પી.એલ. સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટની કામગીરી બિરદાવી અને સારસ પક્ષી અન્ય પક્ષીઓ કરતા ભિન્ન છે તેનું માર્ગદર્શન આપ્યું. કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારતમાં ઈ.સ-૧૮૯૦ માં સારસ પક્ષીઓની સંખ્યા ૭૫% થી વધુ હતી. આજના સમયમાં આ પક્ષીઓની સંખ્યા ભારતમાં ૧૦ થી ૧૫% રહી છે. એટલે કે જાે આ પક્ષીઓની પ્રજાતિનું સંવર્ધન ન કરવામાં આવે તો આ પ્રજાતિ ભારત માંથી વિલુપ્ત થઇ જશે.
ભારતમાં સૌથી વધુ સારસ પક્ષી ઉત્તરપ્રદેશમાં છે અને બીજા ક્રમે ગુજરાતમાં આવેલા છે અને ગુજરાતના ૬૦% સારસ પક્ષીઓ ખેડા જિલ્લાના માતર તાલુકામાં વસે છે. જે આપણા જિલ્લા માટે ગૌરવની બાબત છે.વધુમાં કલેક્ટરશ્રી એ જણાવ્યું કે જેમ ગુજરાત સિંહ માટે જાણીતું છે તેમ ખેડા જિલ્લો સારસ પક્ષીઓ માટે જાણીતો છે. ખેડા જિલ્લામાં સારસ પક્ષીઓની સંખ્યા ૨૦૧૫-૨૦૧૬ માં ૫૦૦ હતી જે વધીને ૯૯૨ થઇ છે. જેના મૂળમાં યુ.પી.એલ. સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટના અધિકારીઓ અને કર્મચારીઓ,સ્વંયસેવકોની મહેનત છે. આ અધિકારીઓ તથા કર્મચારીઓની કામગીરી કલેક્ટરશ્રીએ બિરદાવતા જણાવ્યું કે સારસ એ આપણા જિલ્લાની ઓળખ છે પક્ષીઓના રક્ષણની સાથેસાથે તેમનું સંવર્ધન પણ કરવું જાેઈએ બચાણીએ જણાવ્યું કે, કરુણા અભિયાન દરમિયાન વનસંરક્ષણ વિભાગની કામગીરી ખુબ સરસ રહી છે.
જિલ્લામાં પક્ષીઓનું મૃત્યુ દર ખુબ ઓછું છે. એમાં પણ સારસ પક્ષીઓને નહિવત નુકશાન થયું છે. જેનું મૂળ કારણ પરીએજના આસ પાસના વિસ્તારોમાં લોકોની સઘન જાગૃતતા છે.વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે કલેકટર કે.એલ.બચાણીએ માતર તાલુકાના પરીએજ સરોવરને વિવિધ વિકાસના કામો દ્વારા પરીએજ સરોવર ટુરિઝમ ક્ષેત્રે આગળ આવે અને ગુજરાતમાં એક નવા ટુરિઝમ ક્ષેત્રે ઉભરી આવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.