રીક્ષા ચાલકોની ફરિયાદને આધારે પેટ્રોલ પંપ ઉપર તોલમાપ ખાતાની ટીમ ત્રાટકી
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદના સુહદમ પેટ્રોલ પંપ ઉપર જાડો ગેસ આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં રીક્ષાની ચાર કિલોની કંપની ફીટિંગ ટેન્કમાં પાંચ કિલો ગેસ જતો હોવાની રીક્ષા ચાલકોએ આમોદ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી હતી.
ત્યારે ભરૂચ તોલમાપ ખાતાના અધિકરી વી.એમ. પટેલ, જુનિયર ઈન્સ્પેક્ટર જી.વી.વસાવા તથા સી.એમ.પટેલ તેમજ ગુજરાત ગેસ કંપનીના જુનિયર અધિકારી જગદીશભાઈ સોલંકી આમોદના સુહદમ પેટ્રોલ પંપ ઉપર આવી તપાસ હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
તોલમાપ ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત ગેસના અધિકારીઓ સુહદમ પેટ્રોલ પંપ ઉપર ચકાસણી માટે આવ્યા હોવાની આમોદના રીક્ષાવાળાઓ જાણ થતા મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા.ભરૂચ તોલમાપ ખાતાના અધિકારીઓએ અનેક સીએનજી કીટ વાહનોને ગેસ ભરી મીટર રીડીંગની ચકાસણી હાથ ધરી હતી.
ત્યારે તોલમાપ ખાતાની અધિકારીઓની હાજરીમાં જ જાડો ગેસ હોવાથી અનેક વાહનોમાં કંપની કેપેસિટી ટેન્ક કરતા વધુ ગેસ જતો હોવાનું સામે આવ્યું હતું. જેથી અનેક રીક્ષા વાળાઓની ફરિયાદ સાચી ઠરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સુહદમ પેટ્રોલ પંપના સંચાલક તરફથી જાડો ગેસ અપાતો હોવાથી
સીએનજી રીક્ષા ચાલકો તેમજ ગેસ કીટ વાહનોને આર્થિક નુકશાન જતું હોવાનું સામે આવ્યું છે. તપાસના અંતે ભરૂચ તોલમાપ વિભાગના અધિકારી વી.એમ.પટેલે મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી.