વસ્ત્રાપુર લેક ખાતે ઉંદરોનો ઉપદ્રવ વધી રહ્યો છે
અમદાવાદ, તમે વસ્ત્રાપુર લેકના ગાર્ડનમાં જાવ ત્યારે લોકો એકાએક ચીસાચીસ કરતાં કે આસપાસ દોડતાં જાેવા મળે તો ગભરાઈ ના જતાં, તેઓ માહોલ બગાડવા નથી માગતા પરંતુ પોતે ભયભીત છે. મહત્તમ સંભાવના છે કે, તેઓ મોટા મોટા ઉંદરોને જાેઈને નાસભાગ કરી રહ્યા હોય. વસ્ત્રાપુર લેકમાં નીચેની તરફ જે વૉક-વે બનાવાયો છે ત્યાં આ ઉંદરોએ કેટલાય દર બનાવીને પોતાની વસાહત તૈયાર કરી છે.
અહીં સાંજે કેટલાય મુલાકાતીઓને પોતાના બાળકોને લઈને આવે છે ત્યારે એકાએક આ રીતે ઉંદરો દરમાંથી બહાર નીકળી આવે છે ત્યારે તેમને જાેઈને ભયભીત થઈ જાય છે. ઉંદરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે, એક જ જગ્યાએ ૨૦-૨૫ ઉંદરો જાેવા મળે છે. હવે લોકો પોતાના બાળકોને લેક પર લઈને આવવામાં ડરી રહ્યા છે. સાથે જ તળાવમાં રહેલા સાપો પર પણ ઉંદરો હુમલો કરશે તેવો ભય છે.
વસ્ત્રાપુર લેક પાસે આવેલા સુરભિ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ હિંગુએ કહ્યું, ચોમાસા પછી ઉંદરોની વસ્તીમાં ઘણો વધારો થયો છે. મારો પરિવાર અવારનવાર તળાવે જાય છે. હું અને બીજા કેટલાય લોકો અમારા ઘરના બાળકોને ઉંદરના ભયથી તળાવ ખાતે લઈને આવવાનું ટાળીએ છીએ.”
સુકન એપાર્ટમેન્ટમાં રહેતા નવલ રાઠોડે કહ્યું, “સાંજે તળાવ ખાતે ચાલવા આવતાં લોકોને ભય છે કે ક્યાંય તેઓ ઉંદરના દર પર પગ ના મૂકી દે અને તેઓ તેમને બચકું ના ભરી લે. તંત્રએ લેકની યોગ્ય રીતે કાળજી લેવાનું બંધ કરી દીધું તે પછીથી જ અહીં ઉંદરોનો ઉપદ્રવ વધી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝડપથી પગલા લેવા જાેઈએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક્સ અને ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે કહ્યું, પંદર દિવસ પહેલા જ મેં લેકની મુલાકાત લીધી હતી. મારા ધ્યાને આવ્યું કે, ઉંદરોએ વૉકવે પાસે મોટા મોટા દર બનાવી દીધા છે. છેલ્લા અઠવાડિયાથી સ્થાનિકો પણ અમને ફરિયાદ કરી રહ્યા છે. અમે દર ભરવાનું તેમજ લેકની આસપાસ પેસ્ટ કંટ્રોલિંગનું કામ શરૂ કરાવી દીધું છે.
જાેકે, તેની સામે નવા નવા દર પણ બની રહ્યા છે. વૉક-વેના નીચેની તરફના ભાગને સૌથી વધુ અસર થઈ છે એવામાં આ સમસ્યાનું વ્યાપક નિરાકરણ લાવવા માટે અમે નિષ્ણાતને બોલાવવાનું વિચારી રહ્યા છીએ. ગત જુલાઈમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું. કેટલાય દિવસ સુધી અહીં પાણી ભરાયેલા રહ્યા હતા જે બાદ વૉક-વે અને લેકની ફરતે આવેલી દિવાલનો અમુક ભાગ પડી ગયો હતો.
અધિકારીઓનું કહેવું છે કે, વરસાદને લીધે જમીન પોલી થઈ ગઈ હતી અને તેના કારણે ઉંદરો સરળતાથી દર બનાવી શક્યા. નરસિંહ મહેતાના પૂતળા પાછળનો ભાગ ચંદ્રની સપાટીની જેમ ખબરચડો થઈ ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, લોકો જે વધ્યું-ઘટ્યું ખાવાનું અહીં ફેંકે છે તેના કારણે આસપાસના કોમ્પ્લેક્સો અને ગટરલાઈનોમાંથી ઉંદરો અહીં આવ્યા છે.
પાર્ક ડાયરેક્ટરે આગળ કહ્યું, “ઔડાએ ૨૦૦૦ની સાલમાં લેકનું નિર્માણ કર્યું હતું. દર વર્ષે અહીં હજારો મુલાકાતીઓ આવે છે. લોકો પશુ-પક્ષીઓ માટે અહીં ખોરાક મૂકે છે.
તેના કારણે ઉંદરો આકર્ષિત થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લેકના રિ-ડેવલપમેન્ટ માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને તેનાથી આ સમસ્યાનું પણ નિરાકરણ આવી જશે.” નામ ના આપવાની શરતે એક સિનિયર અધિકારીએ કહ્યું, “તળાવના પરિસરમાં ખાવાપીવાની વસ્તુઓ ના લાવવી અને પ્રવેશદ્વાર પાસે પક્ષીઓને ચણ ના નાખવા જેવા પગલાં ભરવાથી મદદ મળી શકે છે.”SS1MS