Western Times News

Gujarati News

અંબાજી ખાતે તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

મહોત્સવના આયોજન અંગે કલેક્ટરના આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ

(માહિતી) પાલનપુર, રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની જેમ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન લાખો શ્રધ્ધાળુઓની ધાર્મિક આસ્થાને નવી ઊંચાઈ આપશે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. જેના લીધે આ મહોત્સવમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો ઉમટી પડશે.

આ મહોત્સવમાં ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવનાર હોઇ આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા જે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ ૨૨ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.

પરિક્રમા મહોત્સવ દરમિયાન યાત્રિકોને મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, લાઇટ એન્ડ સાઉન્ડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે ચોકસાઈપૂર્વક થાય તેવું આયોજન કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં આસી. કલેક્ટર સુશ્રી અંજુ વિલ્સન, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્મા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.