પેટ્રોલ પંપ પર કારચાલક ત્રણ હજારનું પેટ્રોલ ભરાવી ફરાર
જામનગર, જામનગર-રાજકોટ હાઈવે પર ખીજડિયા પાટિયા પાસે આવેલા પેટ્રોલપંપ પર એક નવતર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. પેટ્રોલપંપ પર ગતરાત્રિએ એક કારચાલક પેટ્રોલ ભરાવી પૈસા આપ્યા વગર જ ફરાર થઈ જતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. છેતરપિંડીનો બનાવ સીસીટીવીમાં કેદ થતા પોલીસે ભાગી છુટેલા કારચાલકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડીયા પાટિયા પાસે આવેલ જય શ્રી રામ પેટ્રોલ પંપ પર ગઈકાલે રાત્રે સાડા બાર વાગ્યા આસપાસ એક કાર આવી હતી. ડ્રાઈવીગ સીટ પર બેસેલ વ્યકિતએ ફીલર તરીકે કામ કરતા મનીષભાઇ નરેન્દ્રભાઇ પારીયા રહે.મોટી બાણુગાર વાળાને રૂપિયા ૩૧૦૦ નું પેટ્રોલ પૂરી દેવા કહ્યું હતું. જેને લઈને ફીલર મનીષે કારમાં ૩૩ લીટર પેટ્રોલ પૂરી દીધું હતું. ત્યારબાદ રૂપિયા માંગતા ચાલક સીટ પર બેઠેલ શખ્સે પાછળની સીટ પર બેઠેલ શખ્સ પાસેથી રૂપિયા લેવા કહ્યું હતું. કારમાં પાછળની સીટ બેઠેલ વ્યક્તિએ કાર્ડ આપી સ્કેચ કરી લેવા કહ્યું હતું. કાર્ડ સ્કેચ કરી પરત આપતા જ કારચાલકે કાર પૂરઝડપે હંકારી મૂકી હતી. રૂપિયા ચૂકવ્યા વગર નાશી ગયેલ શખ્સો અંગે ફીલર મનીષે માલિકને જાણ કરી હતી. ત્યારબાદ મનીષે અજાણ્યા શખ્સો સામે પંચકોશી એ ડિવિઝનમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે નંબર પ્લેટ વગરની ફીગો કાર અને આરોપીઓને શોધવા કવાયત શરુ કરી છે.
શ્રી રામ પેટ્રોલ પંપ પર ગત રાત્રે એક ગાડી પેટ્રોલ ભરવા આવી હતી ત્યારે ચાલકે કર્મચારીને કૂલ ટાંકી કરવાનું જણાવતા પેટ્રોલ પંપના કર્મચારીએ ફોર્ડ ફીગો ગાડીની ફૂલટાંકી કરતા રૂપિયા ૩૧૦૦નું પેટ્રોલ આવ્યું હતું અને ગાડી ચાલકે કર્મચારીની નજર ચૂકવી ગાડી બારોબાર દબાવી મુકી હતી. કર્મચારીએ બૂમો પાડી પાછળ દોડ્યો પરંતુ ગાડી હાથમા આવી ન હતી. ત્યારે પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરના ફૂટેજ જાેયા પરંતુ ગાડી નંબર પ્લેટ વગરની હતી આથી પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓ છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો હતો.આ અંગે મોડી રાત્રે પટ્રોલ પંપ કર્મચારીએ પંચ-એ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે છેતરપિંડી સબબની ફરિયાદ નોંધાવી હતી.