બે હેન્ડગ્રેનેડ સાથે NIAની ટીમે ત્રણ આતંકવાદીઓ ઝડપ્યા
(એજન્સી)હૈદરાબાદ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) હૈદરાબાદ યુનિટે રવિવારે લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની સૂચનાઓ પર આતંકવાદી હુમલાઓ અને લોન વોલ્ફ અટેક્સ કરવા માટે યુવાનોની ભરતી કરનારા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ વિરુદ્ધ એફઆરઆઈ જારી કરી છે.
ત્રણેય હૈદરાબાદીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં માલકપેટના મુસારામ બાગમાં રહેતા ઝાહેદ ઉર્ફે મોહમ્મદ અબ્દુલ જાહિર ઉર્ફે મોહમ્મદ વાજીદ, મેહદીપટ્ટનમના હુમાયુનગરમાં આવેલા રોયલ કોલોનીમાં રહેતા માજ હાસન ફારુક ઉર્ફે માજ અને હૈદરાબાદના સઈદાબાદના અકબરભાગમાં રહેતા સમીમુદ્દીન ઉર્ફે સામી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
NIAએ હૈદરાબાદ શહેર પોલીસ પાસેથી તપાસ પોતાના હાથમાં લીધી છે. સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશનની હૈદરાબાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના પોલીસ ઈન્સ્પેક્ટર સીએચ નરેન્દ્ર રાવે ફરિયાદ નોંધાવી હતી.
NIAનો આરોપ છે કે, કેન્દ્ર સરકારને માહિતી મળી છે કે હૈદરાબાદમાં આતંકવાદ સંબંધિત અનેક કેસમાં આરોપી ઝાહેદ નામના એક વ્યક્તિએ પાડોશી દેશ સ્થિત હેન્ડલર્સ સાથે જાેડાયેલો છે, તેના નિર્દેશ પર માઝ, સમીઉદ્દીન અને અન્ય નામના ઘણા યુવાનોની ભરતી કરી હતી.
પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સની સૂચના મુજબ, ઝાહેદે તેની ગેંગના સભ્યો સાથે સામાન્ય લોકોનાં મનમાં આતંક ફેલાવવા માટે હૈદરાબાદમાં બ્લાસ્ટ અને લોન વોલ્ફ અટેક સહિતના આતંકવાદી કૃત્યો કરવા માટે કાવતરુ ઘડ્યું હતું.
NIAનો આરોપ છે કે, ઝાહેદને તેના પાડોશી દેશ આધારિત હેન્ડલર્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા અને સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે જાહેર મેળાવડા, સરઘસ પર ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો. ૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ હૈદરાબાદના પીએસ સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન સાથે ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલી એફઆઈઆર પહેલેથી જ જારી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન, પોલીસે ઝાહેદના ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ, બે મોબાઈલ ફોન અને રુપિયા ૩.૯ લાખ રોકડા જપ્ત કર્યા હતા. કેન્દ્ર સરકાર માને છે કે એઆઈએ એક્ટ, ૨૦૦૮ હેઠળ અનુસૂચિત ગુનો કરવામાં આવ્યો છે અને ગુનાની ગંભીરતા તેના આંતર રાજ્ય તથા આંતરરાષ્ટ્રીય જાેડાણોને કારણે એનઆઈએ દ્વારા તેની તપાસ કરવાની જરુર છે. ઉપરાંત ગૃહ મંત્રાલયે ગઈ ૨૫ જાન્યુઆરીએ એનઆઈએને કેસ હાથમાં લેવા માટે આદેશો જારી કર્યા હતા.