બાંગ્લાદેશમાં 14 મંદિરો પર હુમલો કરી મૂર્તિઓ તોડી
(એજન્સી)નવીદિલ્હી, અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓનું ઉત્પીડન ચાલુ છે. બાંગ્લાદેશમાં હવે એક સાથે ૧૪ મંદિરોમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પોતાના જાનમાલને લઈને ટેન્શનમાં છે.
તેમણે પોલીસને ઘટનાની તપાસ કરીને હિન્દુઓને સુરક્ષા આપવાની માંગણી કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ઓળખ થઈ રહી છે. એકવાર ઓળખ થયા બાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ મુજબ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડની આ ઘટના બાંગ્લાદેશના પશ્ચિમોત્તર વિસ્તાર ઠાકુરગાંવના બલિયાડાંગીમાં ઘટી.
ગામમાં રહેતા હિન્દુ સમુદાયના નેતા બિદ્યનાથ બર્મનના જણાવ્યાં મુજબ શનિવાર રાત અને રવિવારે વહેલી સવારના સમયમાં અજાણ્યા લોકોએ અંધારાનો ફાયદો ઉઠાવીને સુનિયોજિત રીતે મંદિરો પર હુમલા શરૂ કર્યા. લાકડી અને ડંડા તથા અન્ય હથિયારો સાથે આવેલા ઉપદ્રવીઓએ ૧૪ મંદિરોમાં તોડફોડ કરી.
આ દરમિયાન અનેક મૂર્તિઓ ખંડિત કરી અને કેટલીય મૂર્તિ નજીકના તળાવમાં ફેંકી દીધી. બર્મને કહ્યું કે મંદિરો પર હુમલો કરનારા કોણ હતા તેની ભાળ હજુ સુધી થઈ નથી. અંધેરું હોવાના કારણે કોઈ તેમને જાેઈ શક્યું નહીં. આ ઘટના સામે ઘટ્યા બાદથી વિસ્તારમાં રહેતા હિન્દુઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે
અને પોલીસને કાર્યવાહીનો આગ્રહ કરી રહ્યા છે. સંઘ પરિષદના અધ્યક્ષ અને હિન્દુ નેતા સમર ચેટર્જીએ મંદિરોમાં તોડફોડની ઘટના પર દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ચેટર્જીએ કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમોની મિક્સ વસ્તી છે. અહીં મુસ્લિમો બહુસંખ્યક છે અને હિન્દુઓ સાથે તેમના સારા સંબંધ રહ્યા છે. બંને વચ્ચે ક્યારેય કોઈ વિવાદ પણ નથી ત્યારે આવામાં આ ઘટના કોણે કરી તેના પર આશ્ચર્ય છે.