સારા વળતરની લાલચ આપી મહિલા સાથે ૮૬ લાખની છેતરપિંડી
મુંબઈ, ૫૦ વર્ષના ગૃહિણીને સોશિયલ મીડિયા પર બનેલા એક મિત્રના માર્ગદર્શન પર વિશ્વાસ કરીને પાંચ વર્ષ માટે રોકાણ કરવું ભારે પડ્યું હતું અને તેમને ૮૬ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. મિત્રએ સારું વળતર મળવાનું વચન આપતાં રોકાણ કરવા માટે તેમણે લાખોની કિંમતના સોનાના દાગીના પણ વેચી દીધા હતા. તે મિત્રએ તમામ પ્રકારનો સંપર્ક કાપી નાખતાં મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૦૧૭માં ફેસબુક પર પેટ્રિક જ્યોર્જ (નામના એક વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જેણે પોતાની ઓળખાણ વિદેશમાં ઈન્વેસ્ટર અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકેની આપી હતી, જે તેમણે સ્વીકારી હતી. ‘જ્યોર્જે મહિલાને કહ્યું હતું કે, તેની પાસે રોકાણ માટે ઘણા સારા વિકલ્પો છે, જેનાથી ઊંચું વળતર મળે છે. મહિલાએ એકના એક દીકરાના ભવિષ્ય માટે રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી હતી.
જ્યોર્જે તેની સાથે રોકાણ કરવાની સલાહ આપી હતી અને બેંક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું’, તેમ એક સાયબર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એકના એક દીકરા માટે રોકાણ અને બચત કરવાની ઈચ્છાથી પ્રેરિત ગૃહિણી, જેમની પાસે બેંક અકાઉન્ટ પણ નહોતું, તેઓ એફબી ફ્રેન્ડે આવેલા બેંક અકાઉન્ટ નંબરમાં રૂપિયા ડિપોઝિટ કરતાં હતા. ૨૦૧૭થી ૨૦૨૨ની વચ્ચે તેમણે જ્યોર્જ દ્વારા આપવામાં આવેલા બેંક ખાતામાં ૫૫ ટ્રાન્ઝેક્શનથી ૮૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ‘તમામ ખાતા ભારતના ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યની વિવિધ બેંકોના છે’, તેમ એક અધિકારીએ કહ્યું હતું.
ગત વર્ષે, મહિલાનો દીકરો, જે એરલાઈનમાં નોકરી કરે છે અને વિદેશમાં રહે છે, તે ભારત આવ્યો હતો. તે તેના માતાનો ફોન ચેક કરી રહ્યો હતો તે સમયે રોકાણની વિગતો મળી આવી હતી. જ્યારે તેણે માતાને આ વિશે પૂછ્યું તો તેમણે તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી રહી હોવાનું કહ્યું હતું. આ સાથે જ્યોર્જ અને તેના વચનો વિશે જણાવ્યું હતું.
દીકરાને કંઈક કાળું હોવાનું લાગ્યું હતું અને તેણે તેના માતાને રોકાણ વિશે પૂછપરછ કરવા અને રિફંડ માગવા કહ્યું હતું.
તેણે રિફંડની વાત કરતાં, એફબી ફ્રેન્ડે વાતચીત બંધ કરી હતી. તે સમયે મહિલાએ પોસીલનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પહેલા સેન્ટ્રલ મુંબઈના પોલીસ સ્ટેશનમાં પહેલા ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી અને હવે તે ક્રાઈમ બ્રાન્ચની સેન્ટ્રલ સાયબર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે.SS2.PG