Western Times News

Gujarati News

આહવા-સપ્તશ્રુંગી નવા બસ રૂટનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ

(ડાંગ માહિતી ) આહવાઃ મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વસતા, ખાસ કરીને મહારાષ્ટ્રીયન પરિવારોની કુળ દેવી તથા સૌ ડાંગવાસીઓની આસ્થાના કેન્દ્ર એવા તીર્થ ક્ષેત્ર નાંદુરીના ‘સપ્તશૃંગી’ ગઢ સુધીની સીધી બસ સેવા આહવાથી શરૂ થવા પામી છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે આહવા-સપ્તશૃંગી નવીન બસને આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ વેળા વલસાડ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક શ્રી શૈલેષભાઇ ચૌહાણ, સુરત શહેર કારોબારી સભ્ય શ્રી મુકેશભાઈ દેસાઇ, આહવા ડેપો મેનેજર શ્રી કિશોરભાઈ પરમાર વિગેરેએ ઉપસ્થિત રહી, મુસાફર જનતા માટે ઉપલબ્ધ સેવાઓની વિગતો મહાનુભાવોને પુરી પાડી હતી. આહવાથી દરરોજ સવારે ૭ઃ૩૦ વાગ્યે ઉપડનારી આહવા-સપ્તશૃંગી લોકલ બસ આહવાથી ગલકુંડ, શામગહાન, સાપુતારા, વની, નાંદુરી માર્ગે બપોરે ૧૧ વાગ્યે સપ્તશૃંગી ગઢ પહોંચશે. ? ૧૨૫/- ના લોકલ ભાડે સંચાલિત આ બસ બે કલાકના વિરામ બાદ પરત બપોરે ૧ વાગ્યે આજ માર્ગે આહવા આવવા રવાના થશે.

પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સહિત, આ રૂટના રજુઆત કર્તાઓ અને તેમની રજૂઆતને વાચા આપનાર ભાજપા ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ મોદી, અને એસ.ટી. સંચાલકોનો આભાર વ્યક્ત કરી, સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તીર્થક્ષેત્ર સપ્તશૃંગી બસના પ્રસ્થાન કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી દિપકભાઈ પીંપળે, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ મોદી, યુવા કાર્યકરો સર્વશ્રી સંજય પાટીલ, પ્રકાશ આહિરે, બસના મુસાફરો, ચાલક, કંડકટર અને કર્મચારીઓ સહિત નગરજનોએ ઉપસ્થિત રહી, સરકારશ્રીના પ્રયાસને બિરદાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ગત તા.૧લી નવેમ્બર ૨૦૨૨થી આહવા-મુલહેર આંતરરાજ્ય બસ સેવાને પણ, તારાબાદ સુધી લંબાવવામાં આવી છે. જેનો પણ ગુજરાત મહારાષ્ટ્રના મુસાફરો લાભ લઇ રહ્યા છે. જ્યારે ગત સપ્તાહે જ આહવાથી દેવમોગરા નવીન બસ રૂટ પણ શરૂ થવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.